મણિપુર હિંસા:સેના અને ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણ, વધુ ત્રણ હુમલાખોર ઠાર મરાયા.

ઇમ્ફાલ,
મણિપુરમાં બે સમુદાયો વચ્ચે ચાલી રહેલી હિંસા હવે સુરક્ષાદળો તરફ વળી ગઈ છે. હથિયારોથી સજ્જ હુમલાખોરો આર્મી, બીએસએફ અને અર્ધલશ્કરી દળોને નિશાન બનાવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં વિષ્ણુપુર અને ચુરાચંદપુર જિલ્લામાં અનેક સ્થળોએ સુરક્ષાદળો અને હુમલાખોરો વચ્ચે અથડામણ સર્જાઇ હતી.

હુમલાખોરોએ આ વિસ્તારમાં લગભગ ૨૦૦ દેશી બોમ્બ ફેંક્યા હતા. હુમલામાં ડ્રોનનો પણ ઉપયોગ કરાયો હતો. વિષ્ણુપુર જિલ્લાના ફાઉગક્ચાઓ પોલીસ સ્ટેશન હેઠળ ચાર અલગ-અલગ સ્થળોએ જવાનો અને હુમલાખોરો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં સુરક્ષાદળોએ વધુ ત્રણ હુમલાખોરોને ઠાર કર્યા હતા. ગુરુવારે પણ બે હુમલાખોરોને મોતને ઘાટ ઉતાર્યા હતા.
જોકે, હુમલાખોરોના હુમલામાં આર્મી અને મણિપુર પોલીસના એક-એક કમાન્ડો સહિત પાંચ લોકો પણ ઘાયલ થયા હતા. ઘાયલ કમાન્ડોની ઓળખ વિષ્ણુપુરના નેમીરેકપમ ઈબોમચા (૪૦) તરીકે થઈ છે. હુમલાખોરોની શોધમાં સુરક્ષાદળો ગાઢ જંગલોમાં ઓપરેશન ચલાવી રહ્યા છે. આશંકા છે કે આ હુમલામાં ઉગ્રવાદી કેડર સામેલ હોઈ શકે છે.

દિલ્હીમાં કુકી મહિલા મંચે શુક્રવારે જંતર-મંતર પર દેખાવો કર્યા હતા. મંચે મણિપુરના પહાડી જિલ્લાઓમાં રહેતી આદિવાસી વસ્તી માટે અલગ પ્રશાસનની માંગ કરી હતી.હિંસા સામે ભારતીય મૂળની મહિલાઓએ લંડનમાં મૌન માર્ચ કાઢી હતી. માસ્ક પહેરીને ભારતીય હાઈ કમિશનની બહાર દેખાવો કર્યા હતા. બાદમાં સંસદ સામે બાપુની પ્રતિમા સુધી કૂચ કરી હતી.

સંસદના ચોમાસું સત્રના ૭મા દિવસે મણિપુર હિંસા મુદ્દે બંને ગૃહોમાં હંગામો થયો હતો. લોક્સભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ મણિપુર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ કરતા સૂત્રોચ્ચાર શરૂ કર્યા. આ પછી લોક્સભાને ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીએ અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવાની માંગ કરી હતી. સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષને કાર્યવાહીમાં ભાગ લેવા જણાવ્યું હતું. આ પહેલાં શુક્રવારે વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ના સાંસદોની એક બેઠક વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં યોજાઈ હતી. બેઠકમાં મણિપુર મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.