વર્ષ 2017માં શ્રીનગર ખાતે પોલીસ પર પથ્થરબાજી કરીને સમાચારોમાં ઝળકેલી કાશ્મીરી ફૂટબોલર અફશાં આશિકે તાજેતરમાં વડા પ્રથમ નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી. ગોલકીપર અફશાંને PM મોદીએ કહ્યું, ”તમે કાશ્મીરની દીકરીઓ માટે સ્ટાર બની ચૂક્યા છો.”
- અફ્શાનો આદર્શ છે ધોની
- ધોની બની ગયો છે ઘણા લોકોનો આદર્શ
- ધોની પાસેથી મળી અફ્શાને પ્રેરણા
વડા પ્રધાને અફશાં પાસેથી ફિટનેસ અને પ્રેક્ટિસ અંગે જાણકારી લીધી હતી. અફશાંએ જણાવ્યું, ”શરૂઆતમાં મારા નિર્ણયને ઘરવાળાનો સપોર્ટ મળ્યો નહોતો. પછી મેં મુંબઈ આવીને પ્રેક્ટિસ શરૂ કરી. હું ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીથી ઘણી પ્રભાવિત છું. કેપ્ટન કુલ પાસેથી મને ઘણી પ્રેરણા મળે છે. હું માહી પાસેથી એ શીખી છું કે મુશ્કેલ સમયમાં પણ કેવી રીતે કુલ રહી શકાય.”
જ્યારે વડા પ્રધાને સવાલ કર્યો કે ‘કાશ્મીરી બાળકો રમતોમાં શા માટે સૌથી આગળ હોય છે?’ ત્યારે અફશાંએ જણાવ્યું, ”હવામાનના કારણે કાશ્મીરના લોકોની સ્ટેમિના ઘણો સારો હોય છે, જે રમતમાં ફાયદાકારક છે.”
ઉલ્લેખનીય છે કે 2017માં અફશાંની જમ્મુ-કાશ્મીર પોલીસ પર પથ્થરમારો કરતી તસવીરો નેશનલ મીડિયામાં ચમકી હતી. અફશાં આશિકની એક તસવીર 2017માં સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થઈ હતી. એ તસીવરમાં તે પોલીસ પર પથ્થરમારો કરતી નજરે પડી હતી. એ તસવીરમાં અફશાંનો ચહેરો દુપટ્ટાથી ઢાંકેલો હતો. અફશાંના જણાવ્યા અનુસાર, ”કોઠીબાગની ગવર્નમેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલની 20 છોકરીઓની ફૂટબોલ ટીમને જ્યારે પ્રેક્ટિસ માટે પહોંચાડવાની હતી ત્યારે મેં જોયું કે કેટલાક છોકરાઓ પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા હતા. એ છોકરાઓને જોવાને હું મારી ટીમ સાથે ત્યાં જ રોકાઈ ગઈ. પોલીસને એવું લાગ્યું કે અમે પણ ત્યાં પથ્થરમારો કરવા માટે ઊભા છીએ. પોલીસના જવાને એક છોકરીને લાફો મારી દીધો. ત્યાર બાદ મને ગુસ્સો આવ્યો અને અમે પથ્થરમારો શરૂ કરી દીધો હતો.”
જોકે એ ઘટના બાદ અફશાંએ જમ્મુ-કાશ્મીરમાં મહિલા ફૂટબોલને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો. 25 વર્ષીય અફશાં જમ્મુ-કાશ્મીર મહિલા ફૂટબોલ ટીમમાં ગોલકીપરના રોલમાં છે. અફશાં ૨૦૧૯માં ઇન્ડિયન વુમન્સ લીગમાં એફસી કોલ્હાપુર સિટી તરફથી પણ રમી ચૂકી છે.