રાંચી,
ઝારખંડના બસિયાના સરૂડા ગામમાં એક યુવકે પોતાની જ મંગેતરની ચાકુ મારીને હત્યા કરી નાખી. મૃતક જેનેવિભા તિર્કી સિમડેગા જિલ્લાના કુરડેગની રહેવાસી છે. હત્યાની આ સનસનાટીભરી ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અરવિંદે જેનેવિભાની હત્યા શા માટે કરી તે હજુ સ્પષ્ટ થયુ નથી.
જેનેવિભા હોસ્પિટલ સિમડેગામાં ય્દ્ગસ્ તરીકે કાર્યરત હતા. તે છેલ્લા દોઢ મહિનાથી સરૂડા ખાતે રહેતા તેના એક સંબંધી તીજન એક્કાના ઘરમાં રહેતી હતી. રાયડીહના સિકોઈમાં રહેતા અરવિંદ કુજૂર સાથે જેનેવિભાની સગાઈ લગભગ ૫ મહિના પહેલા થઈ હતી. અરવિંદ પણ જેનિવિભાને મળવા માટે અવારનવાર સરૂડા આવતો હતો. સોમવારે સાંજે ૪ વાગ્યે અરવિંદ સરૂડા આવ્યો અને તીજન એક્કાના ઘરમાં ઘૂસતાની સાથે જ તેણે જેનેવિભાની છાતીમાં ચાકુના ૨૦- ૨૫ ઘા મારી નાસી છૂટ્યો. બચાવ માટેની ચીસોનો અવાજ સાંભળીને તીજન એક્કા ઘટના સ્થળે પહોંચ્યા. જેનેવિભાને બચાવવા જતા તીજનનો હાથ પણ કપાઈ ગયો હતો.
ઘટના બાદ તાત્કાલિક જેનેવિભાને સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે રેફરલ હોસ્પિટલ બસિયા ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યાં તપાસ બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા બસિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે રેફરલ હોસ્પિટલ પહોંચીને મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ગુમલા ખાતેની હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને આ મામલે તપાસ હાથ ધરી છે.
કૌટુંબિક સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ તેની ફિયાન્સી જેનેવિભા સાથે અગાઉ પણ નાની-નાની તકરારને લઈને મારામારી કરતો હતો. જેનેવિભાના બાળપણમાં જ તેના માતા-પિતાનું અવસાન થયા બાદ તેમના મોટા કાકાએ ઉછેર કર્યો હતો અને તેમને ય્દ્ગસ્નો અભ્યાસ કરાવ્યો હતો. ઘટના બાદ પરિજનો ખૂબ જ દુ:ખી છે.