આઝાદીના પર્વને આવકારવા નડિયાદ સહિત ખેડાવાસીઓમાં અનેરો ઉત્સાહ: સરદાર ની જન્મ ભૂમિમાં જામ્યો દેશભક્તિનો માહોલ

  • શહેરના મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ રોશનીથી ઝળહળી ઉઠી.
  • શહેર જીલ્લાના વિવિધ ધાર્મિક,ઐતિહાસિક સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યા.

ખેડા જીલ્લાના નડિયાદમાં 78મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. આ ઉજવણી નિમિત્તે યોજાનાર કાર્યક્રમોને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે.નડિયાદ શહેર સહિત ખેડા જીલ્લાવાસીઓમાં આઝાદી પર્વનો ઉજવણીનો અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. સ્વાતંત્ર્ય પર્વના રાજ્ય ઉત્સવ નિમિત્તે સમગ્ર નડિયાદ શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નડિયાદના મહેમાન બની આ રાષ્ટ્રીય ઉત્સવમાં સહભાગી થવાના છે.નડિયાદ શહેરમાં આવેલ સરદાર પટેલ જન્મ સ્થાન,ગાંધીજીની પ્રતિમાને રોશની કરવા સાથે સમગ્ર શહેરના મુખ્ય માર્ગોને રોશનીથી શણગારવામાં આવ્યા છે.

રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વ નિમિત્તે એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાવાનો છે. સરકીટ હાઉસથી ધ્વજવંદન કાર્યક્રમના માર્ગને પણ રોશનીથી સજ્જ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત નડિયાદ શહેરની વિવિધ સરકારી કચેરીઓ જેવી કે, કલેક્ટર કચેરી,જીલ્લા પંચાયત,જીલ્લા પોલીસ અધિક્ષક કચેરી, સરકીટ હાઉસ, જૂની કલેકટર કચેરી સરદાર ભવન સહિતની કચેરીઓને શણગારવામાં આવી છે. જીલ્લામાં તાલુકા કક્ષાએ આવેલા સરકારી કચેરીઓમાં પણ રોશની કરવામાં આવી છે. શહેર જીલ્લાના વિવિધ ધાર્મિક,ઐતિહાસિક સ્થળોને પણ રોશનીથી શણગારવામાં આવ્યા છે. નડિયાદમાં 78મા સ્વાતંત્ર પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીનો અનોખો દેશભક્તિનો માહોલ જામ્યો છે.