કોલકતા,
પશ્ર્ચિમ બંગાળના રમતગમત પ્રધાન મનોજ તિવારીએ એક જાણિતી ફિલ્મનો ડાયલોગનો ઉપયોગ કરતા ભારતીય જનતા પાર્ટી સામે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જે બાદ ભારે હોબાળો મચી ગયો હતો. રવિવારના રોજ તૃણમુલ કોંગ્રેસની એક રેલી દરમિયાન પોતાના સંબોધનમાં મનોજ તિવારીએ ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતા કહ્યું હતું કે, ઝુકેગા નહીં સાલા.
ક્રિકેટરમાંથી નેતા બનેલા મનોજ તિવારી હાવડામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા અને પક્ષના કાર્યકરો અને જનતાને વિપક્ષ સામે એકજૂથ રહેવાની સલાહ આપતા નિવેદન આપ્યું હતું.
નિવેદન બાદ વિવાદ વકરતા તેમણે આ અંગે ખુલાસો કર્યો છે. તેમણે પાર્ટી સમર્થકો અને કાર્યકરોને એકજૂટ રહેવાની અપીલ કરતા ભાજપને પડકાર ફેંક્યો હતો. એટલું જ નહીં, તેમણે ટીએમસી કાર્યર્ક્તાઓને કાન ખોલીને પુષ્પા ફિલ્મના ડાયલોગ સાંભળવા કહ્યું હતું. મનોજ તિવારીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ તેની ટીકા થવા લાગી હતી. બ્રીફિંગ દરમિયાન મનોજ તિવારી માફી માંગતા જોવા મળ્યા હતા, જ્યારે મીડિયાકર્મીઓએ રેલી દરમિયાન તેમના નિવેદનો પર સવાલ ઉઠાવ્યા હતા. મનોજ તિવારીએ માફી માંગતા જણાવ્યું હતું કે, મારે આવું ન કહેવું જોઈતું હતું.
ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા મનોજ તિવારી ૨૦૨૧માં મમતા બેનર્જીની ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. જે બાદ મનોજ તિવારીએ વિધાનસભા ચૂંટણીમાં શિબપુર સીટ પર જીત મેળવી હતી. આ સાથે યુવા બાબતો અને રમતગમતના રાજ્યમંત્રી તરીકે પણ તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે.