ઝેરમુક્ત ખેત પેદાશ, ખેતરથી સીધી તમારા રસોડા સુધી: નડિયાદ નગરજનોને રસાયણયુક્ત ખેત પેદાશોના ઉપભોગ સામે સ્વાસ્થ્યવર્ધક ખોરાક માટેનો એક વિકલ્પ એટલે પ્રાકૃતિક માર્ટ

  • નડિયાદ નાગરિકો આરોગ્યપ્રદ ખોરાક મળે તે માટે સંતરામ મંદિર પાસે પ્રાકૃતિક માર્ટ ખોલવામાં આવ્યો.
  • પ્રતિદિન અંદાજીત 100 જેટલા લોકો આ વેચાણ કેન્દ્રની મુલાકાત લઈ રહ્યા છે.
  • છેલ્લા બે માસમાં અંદાજીત રૂ. 2 લાખની પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કરવામાં આવ્યું.

નડિયાદ,માનવ શરીરને યોગ્ય આહાર મળે એ ખૂબ જ જરૂરી છે. આજે ભેળસેળીયા અને કેમિકલયુક્ત ખાદ્યપદાર્થોના વધુ પડતા સેવનને લીધે અનેકવિધ બિમારીઓ પ્રચલનમાં આવી છે. ભારતનાં નાગરીકને આરોગ્યપ્રદ ખોરાક મળે તે હેતુથી સરકાર પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે આવી જ એક સકારાત્મક પહેલના ભાગરૂપે આજે નડિયાદના સંતરામ મંદિરની પાસે એક નાનો એવો સુંદર મજાનો પ્રાકૃતિક માર્ટ ખોલવામાં આવ્યો છે. જેનું નામ છે, વામન ખેડા સુભાષ પાલેકર નેચરલ ફાર્મીંગ (એસ.પી.એન.એફ) પ્રોડ્યુસર કંપનિ લિમિટેડ.

આ પ્રાકૃતિક માર્ટમાં પ્રાકૃતિક કૃષિથી તેયાર થયેલ બાજરો, રાગી, મોરૈયો સહિતના મિલેટ્સ, બધા જ કઠોળ, મરી-મસાલા, મરચુ, ધાણાજીરૂ, હળદર, ગોળ, મીઠુ, તેલ, ધી, લીલી શાખભાજી અને સિઝનલ ફ્રુટ્સ સહિતની તમામ ખેતપેદાશોનું વાજબી ભાવે વેચાણ કરવામાં આવે છે. પ્રતિદિન અંદાજીત 100 જેટલા લોકો આ વેચાણ કેન્દ્રની મુલાકાત લઈ જરૂરીયાત મુજબની ચીજવસ્તુઓની ખરીદી કરે છે. એપ્રિલ 2024 થી શરૂ થયેલ આ પ્રાકૃતિક માર્ટમાં આજદિન સુધી અંદાજીત રૂ. 2 લાખની રકમની ખેતપેદાશોનું વેચાણ કરવામાં આવ્યું છે.

આ પ્રાકૃતિક માર્ટના ડબલ ફાયદા વિશે જણાવતા તેના સંચાલક ખેડુત ઘનશ્યામભાઈ પટેલ જણાવે છે કે, નડિયાદ, સંતરામ મંદિરની બાજૂમાં શરૂ થયેલ આ વેચાણ કેન્દ્રથી નડિયાદ સહિત સમગ્ર ખેડા જીલ્લાવાસીઓને સરળતાથી પ્રાકૃતિક ખેત પેદાશોની ખરીદી કરવાનો વિકલ્પ મળ્યો છે. આ ખેત પેદાશોના નિયમિત ઉપભોગથી નગરજનોનું સ્વાસ્થ્ય સુદ્રઢ થશે. તો બીજી તરફ ખેડૂતોને પણ પોતાના પરિશ્રમથી તૈયાર કરેલ ખેતપેદાશોના વેચાણ માટે ઉત્તમ બજાર મળ્યું છે.