ઝેરી દારૂ પીવાથી ૩૯નાં મૃત્યુ પોલીસ બધું જ જાણતી હતી. સપ્લાયરના સેટિંગને કારણે તે બધાને અવગણતી હતી.

પટણા,

બિહારના છપરામાં ઝેરી દારૂને કારણે અત્યાર સુધીમાં ૩૯ લોકોનાં મોત થયાં છે. ૩૦ દર્દી સારવાર હેઠળ છે, કેટલાક લોકોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક હજુ વધી શકે છે. મશરક વિસ્તારમાં ઘટના બનતાં ત્યાંના પોલીસ અધિકારી રિતેશ મિશ્રા સહિત બે લોકોને સસ્પેન્ડ કરાયા છે. તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે. ૨૦ લોકો કસ્ટડીમાં છે. દારૂબંધી વચ્ચે દારૂને કારણે થયેલાં મોતની તપાસ કરવા ટીમ મશરક પહોંચી હતી. આ એ વિસ્તાર છે, જ્યાં સૌથી વધુ મૃત્યુ દારૂ પીવાને કારણે થયાં છે. અહીં એક ફોન કોલ પર ઘરે-ઘરે દારૂ પહોંચે છે.

મળતી માહિતી મુજબ, વિસ્તારમાં ઘણા મૃતદેહોના ગુપ્ત રીતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. માત્ર ૨૨નું પોસ્ટમોર્ટમ થયું છે. લોકોના ચહેરા પર ભયની લાગણી જોવા મળી હતી. જ્યારે દારૂ અંગે પૂછપરછ કરવામાં આવી તો કેટલાકે કહ્યું- પોલીસ બધું જ જાણતી હતી. સપ્લાયરના સેટિંગને કારણે તે બધાને અવગણતી હતી. આરોગ્ય કેન્દ્ર પર પહોંચતાં કર્મચારીએ જણાવ્યું હતું કે જે વ્યક્તિ વિસ્તારમાં દારૂનું વિતરણ કરી રહી હતી તેનું મોત દારૂ પીવાથી થયું હતું.

ટીમ છપરાના બહેરૌલી, મશરક તખ્ત, મધૌરા વિસ્તારોમાં પહોંચી હતી, જ્યાં દારૂ પીવાથી મૃત્યુ થયાં હતાં. રાતના ૧૦ વાગ્યા હતા. સ્ટેશનની આજુબાજુ તણાવનો માહોલ હતો. ઘરોમાંથી રડવાનો અવાજ આવી રહ્યો હતો. બહાર સફેદ કપડાંમાં લપેટાયેલી લાશો પડી હતી. અમારી ટીમ મશરક પોલીસ સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં ગઈ હતી. ભય દેખાતો હતો. કેમેરા સામે કોઈ બોલવા તૈયાર નહોતું. એક એમ્બ્યુલન્સ પોલીસ સ્ટેશનની સામેની શેરીમાં જઈને રોકાઈ. દર્દીનો મૃતદેહ નીચે લાવવામાં આવ્યો, જેને ઘર સુધી લઈ જનાર પણ કોઈ નહોતું.

મશરકમાં લોકો સાથે વાતચીત કરી. શ્યામે જણાવ્યું હતું કે મશરક પોલીસની મિલીભગતને કારણે ધંધો ચાલતો હતો. સપ્લાયરના સેટિંગ સામે પોલીસ મૌન હતી. ઘરે-ઘરે દારૂ મળતો હતો. અહીં ઠેકાની કોઈ કમી નથી. ફોન કરતાં જ દારૂ ઘરે પહોંચી જાય છે. અમારા વિસ્તારમાં ૪ લોકો મૃત્યુ પામ્યા છે. અમે મશરક કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ગયા, જ્યાં દારૂ પીધા પછી દાખલ થયેલા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. અમને જાણવા મળ્યું છે કે દાખલ થનારા તમામ લોકો રોજ દારૂનું સેવન કરતા હતા. પહેલાં આવી ક્યારેય સમસ્યા ન હતી. જેમણે સોમવાર અને મંગળવારે દારૂ પીધો હતો તેમની હાલત ખરાબ છે. એક દર્દીએ કહ્યું હતું કે તેણે સ્પિરિટવાળો દારૂ આપ્યો હતો.

એક હેલ્થવર્કરે કહ્યું હતું કે દારૂનો ડિસ્ટ્રિબ્યુટર બહેરૌલીનો હતો. તેના દારૂને કારણે લોકોની તબિયત બગડી હતી. દારૂ પીધા પછી તેનું મોત થયું હતું. તબિયત લથડતાં પરિવારજનોએ તેને હોસ્પિટલ લઈ આવ્યા, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. હેલ્થવર્કરે કહ્યું, હોસ્પિટલમાં દાખલ થનારા સૌથી વધુ લોકો મજૂરવર્ગના હતા. મોટા ભાગના દર્દીઓની ઉંમર ૨૫થી ૪૦ વર્ષની છે. આજુબાજુનાં ગામડાંમાં જે પણ દારૂ સપ્લાય થતો હતો એ મશરકમાં બનતો હતો. પોલીસે અનેક વખત દારૂ સપ્લાયરને પકડ્યો, પણ તેને કેમ છોડી દેવામાં આવ્યો એ મોટો પ્રશ્ર્ન છે.