ઝાંસી, ઝાંસીમાં સોમવારને મોડી રાતે એક શોરુમમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. સિપરી બજારમાં ઇલેક્ટ્રોનિક્સના ત્રણ મોટા શોરૂમમાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે શોરૂમની ઉપર રહેતા એક જ પરિવારના ચાર લોકો જીવતા સળગી ગયા હતા. મૃતકોમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે.
ઝાંસીના આ ઈલેક્ટ્રોનિક શોરુમમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે તે આગને હોલવવા સ્થળ પર સેનાને બોલાવવી પડી હતી. જ્યારે આર્મીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ફાયર બ્રિગેડે ઘરની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ટીમે પરિવારના કેટલાક સભ્યોને બચાવ્યા, પરંતુ આ ચાર લોકોને બચાવી શક્યા નહીં.
ઘટના અંગેની માહિતી આપતા એસએસપીએ જણાવ્યું હતુ કે સિપરી બજારમાં ત્રણ મોટા ઈલેક્ટ્રોનિક શોરૂમમાં અચાનક આગ ભબુકી ઉઠી હતી. ત્યારે ઈલેક્ટ્રોનિક્સની દુકાનના માલિકનો પરિવાર શોરૂમની ઉપર રહેતો હતો. આગ એટલી વિકરાળ હતી કે ઝડપથી ફેલાઈ હતી અને આખા બિલ્ડીંને ઝપેટે લઈ લીધુ. ત્યારે આગ લાગતા લોકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે આગ ઓલવવાનું શરૂ કર્યું હતું, પરંતુ આગ વધી રહી હતી. જેને જોતા આસપાસના જિલ્લામાંથી ફાયર બ્રિગેડના વધુ ૩૦ ટેક્ધરો મંગાવવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. તેને જોતા સેનાને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની સાથે સેનાની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
એસએસપીએ જણાવ્યું કે આગ એટલી વિકરાળ હતી કે તેને હોલવવાના સતત પ્રયાસ બાદ પણ કાબુ મેળવાયો ન હતો. ત્યારે સૌથી મોટો પડકાર પરિવારના લોકોને ઘરમાંથી બહાર કાઢવાનો હતો અને ફાયર બ્રિગેડે પરિવારના સાત લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. આ દરમિયાન એક બાળકીની લાશ પણ બળેલી હાલતમાં મળી આવી હતી. બચાવ બાદ બહાર લાવવામાં આવેલા પરિવારજનોએ જણાવ્યું કે હજુ પણ ત્રણથી ચાર લોકો અંદર ફસાયેલા છે. આર્મી અને ફાયર બ્રિગેડની ટીમે ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી અને અન્ય ત્રણ લોકો પણ આગની ઝપેટમાં આવીને સળગી ગયા હતા.
આગ એટલી ભયાનક હતી કે અંદર જવું મુશ્કેલ હતું. એસએસપીએ જણાવ્યું કે મોડી રાત્રે આગ પર કાબૂ મેળવ્યા બાદ ફરી બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઘરની અંદરથી વધુ ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. તમામ મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. શોરૂમના માલિકે ફાયર બ્રિગેડ પાસેથી એનઓસી લીધી હતી કે નહીં તે પણ તપાસનો વિષય છે.