ઝારખંડ: સસ્પેન્ડેડ આઇએએસ પૂજા સિંઘલના પતિ અભિષેક ઝાને રાહત ન મળી,સુપ્રીમે આગોતરા જામીન અરજી પર સુનાવણી મુલતવી રાખી

રાંચી, ભ્રષ્ટાચારના કેસમાં સસ્પેન્ડ અને જેલમાં બંધ ઝારખંડની આઇએએસ અધિકારી પૂજા સિંઘલના પતિ અભિષેક ઝાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી શકી નથી.

હકીક્તમાં, મની લોન્ડરિંગના આરોપી ઝારખંડના સસ્પેન્ડેડ આઇએએસ પૂજા સિંઘલના પતિ અભિષેક ઝા દ્વારા દાખલ કરવામાં આવેલી આગોતરા જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સ્થગિત કરવામાં આવી છે. હાલમાં અભિષેક ઝાને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી સુનાવણી ૫ જુલાઈએ કરશે. તમને જણાવી દઈએ કે હાઈકોર્ટે અભિષેક ઝાની આગોતરા જામીન અરજી પણ ફગાવી દીધી હતી.

આ પહેલા સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચે કહ્યું હતું કે અભિષેક પર લાગેલા આરોપો ખૂબ જ ગંભીર છે. એટલા માટે હવે તેમને જામીન આપી શકાય નહીં. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાએ કહ્યું હતું કે તમે પહેલા સરેન્ડર કરો અને પછી જામીન અરજી દાખલ કરો તો સારું રહેશે. તેના પર અભિષેકના વકીલે કહ્યું કે તે એક બિઝનેસમેન છે. તેમની પુત્રીને ગંભીર બીમારી છે, જેથી તેમણે આગોતરા જામીન માટે અરજી કરી હતી. અગાઉ તેમની પત્નીને પણ તેમની પુત્રીની સંભાળ રાખવા માટે બે વખત જામીન મળી ચૂક્યા છે.

તે જ સમયે, વકીલોની દલીલો પર, ન્યાયાધીશ અમાનુલ્લાએ કહ્યું હતું કે પૂજાને વચગાળાના જામીન આપનારી બેંચમાં તે પણ સામેલ છે. તે કેસની તમામ હકીક્તો જાણે છે. કોર્ટે આ કેસની સુનાવણી ૨૩મી જૂન એટલે કે આજ સુધી મુલતવી રાખી હતી. તમને જણાવી દઈએ કે, ૩ જાન્યુઆરી અને ૧૦ ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે પૂજા સિંઘલને પુત્રીની સંભાળ માટે જામીન આપ્યા હતા. અભિષેકે ૧૮ મેના રોજ ઝારખંડ હાઈકોર્ટના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે ૧૨ જૂને સુનાવણી હાથ ધરવા સંમતિ આપી હતી.