ઝારખંડનું કૌભાંડ

ભ્રષ્ટાચારે કેટલી ભયાવહ રૂપે પોતાનાં મૂળિયાં ઊંડે ઉતાર્યાં છે, તેનું દંગ કરી દેનારું ઉદાહરણ છે ઝારખંડમાં ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ કુમાર લાલના નોકર જહાંગીરના ઠેકાણેથી ૨૫ કરોડથી વધુ રૂપિયાની જપ્તી. એ તો ઇડી જ જણાવશે કે જહાંગીર અને તેના નિશાના પર આવેલા અન્ય લોકો પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવી, પરંતુ કોઈપણ સમજી શકે છે કે તેનો સ્ત્રોત કોંગ્રેસના કોટાના મંત્રી આલમગીર આલમ અને તેમના અંગત સચિવ જ હોઈ શકે છે. જોકે મંત્રીજી ખાનગી સચિવ પર દોષ નાખીને પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે, પરંતુ એની અવગણના ન કરી શકાય કે લગભગ એક વર્ષ પહેલાં ટેન્ડર કૌભંડની તપાસના ક્રમમાં ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય એન્જિનિયર વીરેન્દ્ર રામ પાસે સો કરોડથી વધુની સંપત્તિ મળી આવી હતી. ગત દિવસે આ જ કૌભાંડના અનુક્રમમાં છાપામારી કરવામાં આવી. ઝારખંડની ગણતરી દેશના ગરીબ રાજ્યોમાં થાય છે, પરંતુ ત્યાંના ભ્રષ્ટ નેતા અને અધિકારીઓ તેને બંને હાથે લૂંટવામાં પડ્યા છે. ખુદ પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન જમીન કૌભાંડને અંજામ આપવાના આરોપમાં જેલમાં છે. આ કૌભાંડમાં ઇડી અત્યાર સુધી લગભગ અઢીસો કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી ચૂકી છે. એક અન્ય પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા પણ ભ્રષ્ટાચારના આરોપમાં જેલ જઈ ચૂક્યા છે. બહુ સમય નથી થયો જ્યારે ઝારખંડમાં કોંગ્રેસના સાંસદ ધીરજ સાહૂને ત્યાં આવકવેરા વિભાગે સાડા ત્રણસો કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી.

ઝારખંડ કઈ રીતે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બની ગયું છે, તેની જાણ એના પરથી થાય છે કે અહીંના કેટલાય કૌભાંડોની તપાસ ઇડી કરી રહી છે. એમાં મનરેગા કૌભાંડ પણ છે. આ કૌભાંડની તપાસ દરમ્યાન આઇએએસ પૂજા સિંઘલના પતિના સીએને ત્યાંથી ૨૦ કરોડની રોકડ મળી આવી હતી. ઝારખંડમાં શરાબ કૌભાંડને પણ અંજામ આપવામાં આવ્યો છે. આ કૌભાંડમાં પણ નેતા, અધિકારી અને કારોબારી તપાસનો સામનો કરી રહ્યા છે. ઝારખંડનું કોલસા કૌભાંડ પણ ચર્ચામાં રહ્યું છે.ખનિજ સંપદાથી સંપન્ન ઝારખંડ ગરીબ જ રહ્યું છે તો તેનું કારણ આવાં અગણિત કૌભાંડો છે. કૌભાંડો ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી થઈ રહ્યા છે, તેથી એ નિષ્કર્ષ પર પહોંચવા સિવાય ઉપાય નથી કે એના પર કોઈ લગામ નથી લગાવી શકાઈ. આ સમસ્યા માત્ર ઝારખંડ સુધી જ સીમિત નથી. પડોશી રાજ્ય બંગાળ સહિત અન્ય રાજ્યોમાં પણ નેતા, અધિકારીઓ અને તેમના નજીકના લોકો ભ્રષ્ટ રીતભાતોથી કરોડોની લૂંટ ચલાવી રહ્યા છે. એટલાથી સંતુષ્ટ ન થઈ જવાય કે ઇડી કે પછી સીબીઆઇ એમના સુધી પહોંચી જાય છે, કારણ કે કૌભાંડો અટકી નથી રહ્યાં અને કૌભાંડીઓને સમયસર સજા નથી મળી રહી કે જેથી ભ્રષ્ટ તત્ત્વોમાં ભય પેદા થાય. ઝારખંડના આ તાજા કૌભાંડ વિશે કોંગ્રેસ સહિત ઇન્ડી ગઠબંધનના ઘટક પક્ષો ચૂપકિદી સેવી રહ્યા છે જે દેશનું દુર્ભાગ્ય જ કહી શકાય.