રાંચી,
ઝારખંડમાં નક્સલીઓ દ્વારા કોલ્હાનના જંગલમાં લગાવવામાં આવેલા આઇઇડી બોમ્બની ચપેટમાં આવવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે. છેલ્લા એક મહિનાની અંદર આ ત્રીજી ઘટના છે. જેમાં નક્સલી દ્વારા જંગલમાં લગાવવામાં આવેલા આઇઇડીની ચપેટમાં આવવાથી કોઈકનું મોત નીપજ્યુ હોય. ગોઈલકેરા વિસ્તારના મેરાલગઢાની આસપાસ જંગલમાં એક આઇઇડી બોમ્બ વિસ્ફોટની ચપેટમાં આવવાથી ગામ મેરાલગઢાના નિવાસી હરીશ ચંદ્ર ગોપ ઉં.વ. ૨૩નું મૃત્યુ નીપજ્યુ છે.
આ મામલે જાણકારી આપતા પોલીસે જણાવ્યુ કે હરીશ મંગળવારે સવારે લાકડા લેવા માટે જંગલ તરફ ગયા હતા. ઘટનાની માહિતી પ્રાપ્ત થતા જ ચાઈબાસા પોલીસ દ્વારા કોબરા ૨૦૩ બટાલિયન, સીઆરપીએફ ૬૦ બટાલિયન અને ઝારખંડ જગુઆરની સાથે સંયુક્ત રીતે મૃત વ્યક્તિ હરીશ ચંદ્ર ગોપને ગ્રામજનોના સહયોગથી ઘટના સ્થળેથી બહાર લાવવામાં આવ્યા. આ સમગ્ર ઘટનાક્રમને લઈને ચાઈબાસા પોલીસ અને તમામ સુરક્ષાદળે સંવેદના વ્યક્ત કરી છે.
પોલીસ અને સુરક્ષાદળો દ્વારા કોલ્હાન વિસ્તારમાં સતત સંચાલિત નક્સલ વિરોધી અભિયાનના કારણે સુરક્ષાદળોને નુક્સાન પહોંચાડવા માટે નક્સલીઓ દ્વારા આઇઇડીનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આઇઇડી વિસ્ફોટમાં ગ્રામીણોને નિશાન બનાવીને તેમને મોતને ઘાટ ઉતારવા, ઈજાગ્રસ્ત કરવા નક્સલીઓની એક કાયર હરક્ત છે. ઝારખંડ પોલીસ સામાન્ય જનતાની સેવામાં હંમેશા તત્પર છે અને ગ્રામીણોની સુરક્ષા માટે સઘન નક્સલ વિરોધી અભિયાનનું સંચાલન ચાલુ રહેશે.
પોલીસે જણાવ્યુ કે સુરક્ષાદળો તરફથી ચલાવવામાં આવી રહેલા નક્સલ અભિયાનના વિરુદ્ધ સોમવારે મોડી રાત્રે ગોઈલકેરા વિસ્તારના આરાહાસા માર્ગ પર માઓવાદીઓએ રસ્તા પર ટ્રાફિક જામ કરવા માટે રાત્રે એક વૃક્ષને કાપીને પાડી દીધુ હતુ. સાથે જ વૃક્ષ પર બેનર અને પોસ્ટર લગાવી દેવાયા હતા. આ સ્થળ રેંગરબેરા ગામની પાસે છે.
ઈચાહાતુમાં અમુક તાર અને પેટી પડેલી મળી હતી. જેમાં આઇઇડી હોવાની માહિતી હતી, પરંતુ પોલીસની તપાસમાં કોઈ આઇઇડી મળ્યુ નહીં. આ સ્થાન ઈચાહાતુ કુઈડા અને સોયતબા સીઆરપીએફ કેમ્પ વચ્ચે છે. માહિતી મળતા સુરક્ષાદળો દ્વારા બંને માર્ગ પરથી અવરોધકને કપાવી દેવાયુ છે.