ઝારખંડમાં પણ જાતિ સર્વેક્ષણ થશે,ચંપા સરકારનો નિર્ણય

હવે ઝારખંડમાં પણ જાતિ સર્વેક્ષણ કરવામાં આવશે. ઝારખંડની ચંપાઈ સોરેન સરકારની કેબિનેટે રાજ્યમાં જાતિ સર્વેક્ષણ કરવાના નિર્ણયને મંજૂરી આપી હતી. આ સાથે ઝારખંડ દેશનું ચોથું રાજ્ય બનશે, જ્યાં જાતિ સર્વેક્ષણ કરવામાં આવશે. આ પહેલા બિહાર, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ જાતિ સર્વેક્ષણ કરવામાં આવ્યું છે અથવા કરવામાં આવી રહ્યું છે. ઝારખંડના મુખ્ય સચિવ વંદના પટેલે મીડિયાને જણાવ્યું કે કેબિનેટે જાતિ સર્વેક્ષણ કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. જાતિ સર્વેક્ષણ કર્મચારી વિભાગની દેખરેખ હેઠળ થશે.

ઝારખંડના કર્મચારી વિભાગને જાતિ સર્વેક્ષણ માટે નોડલ એજન્સી બનાવવામાં આવી છે. જો કે, સરકારે હજુ સુધી જાતિ સર્વેક્ષણ માટે કોઈ સમયરેખા નક્કી કરી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર પહેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરશે, ત્યારબાદ જ સર્વેની તારીખ નક્કી કરવામાં આવશે. ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર શેર કરેલી પોસ્ટમાં જાતિ સર્વેક્ષણ હાથ ધરવાનો સંકેત આપ્યો હતો. તેણે લખ્યું કે ’જેટલી મોટી સંખ્યા, તેટલો તેનો હિસ્સો વધારે. ઝારખંડ તૈયાર છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં, બિહારમાં જાતિ સર્વેક્ષણનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના સામાજિક મિશ્રણ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ સર્વેમાં બહાર આવ્યું છે કે બિહારમાં અત્યંત પછાત વર્ગો અને અન્ય પછાત વર્ગોની કુલ વસ્તી રાજ્યની વસ્તીના ૬૩ ટકાથી વધુ છે. આંધ્રપ્રદેશ સરકારે પણ આ વર્ષે જાન્યુઆરીમાં જાતિ સર્વેક્ષણ શરૂ કર્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં, તેલંગાણા સરકારે ડોર-ટુ-ડોર જાતિ સર્વેક્ષણને મંજૂરી આપતો ઠરાવ પણ પસાર કર્યો હતો.

ઝારખંડમાં આ વર્ષના અંત સુધીમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ચંફઈ સરકારે ચૂંટણીને યાનમાં રાખીને જાતિ સર્વેક્ષણનો માસ્ટર સ્ટ્રોક રમ્યો છે. ઝારખંડ મુક્તિ મોરચાના નેતા અને પૂર્વ સીએમ હેમંત સોરેન ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે. આવી સ્થિતિમાં જેએમએમને આશા છે કે તેને લોકોની સહાનુભૂતિના મત મળશે. તાજેતરની લોક્સભા ચૂંટણીમાં પણ જેએમએમને ફાયદો થયો હતો. હવે જેએમએમની આગેવાનીવાળી સરકાર પણ જાતિ સર્વેક્ષણથી લાભની આશા રાખી રહી છે.