ઝારખંડમાં ’બિંદી’ લગાવવા બદલ ટીચરે થપ્પડ મારતાં સ્ટુડન્ટે આત્મહત્યા કરી

ધનબાદ, ઝારખંડના ધનબાદમાં તેના કપાળ પર ’બિંદી’ લગાવીને શાળાએ આવવા બદલ શિક્ષક દ્વારા કથિત રીતે થપ્પડ માર્યા બાદ ધોરણ ૧૦ની એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે. પ્રિન્સિપાલ અને શિક્ષક બંનેની ધનબાદ પોલીસે ધરપકડ કરી છે. ધનબાદ પોલીસના જણાવ્યા અનુસાર, ઉષા કુમારી (૧૬)એ તેના કપાળ પર ’બિંદી’ લગાવવા માટે શાળામાં પ્રાર્થના દરમિયાન મહિલા શિક્ષક દ્વારા કથિત રીતે અપમાનિત અને થપ્પડ માર્યા બાદ સોમવારે આપઘાત કર્યો હતો.

પોલીસે જણાવ્યું કે, યુવતીએ ઘરે પહોંચ્યા બાદ હનુમાનગઢી કોલોનીમાં પોતાના ઘરમાં સીલિંગ ફેન સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. યુવતીએ આત્યંતિક પગલું ભરતા પહેલાં તેતુલમારી પોલીસને સંબોધીને એક સુસાઇડ નોટ પણ લખી હતી અને તેને તેના યુનિફોર્મમાં રાખી હતી. પત્રમાં તેણે આ ઘટના માટે શાળાના શિક્ષક અને પ્રિન્સિપાલને જવાબદાર ગણાવ્યા છે.

આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ સ્થાનિક લોકો સાથે મંગળવારે શાળાની બહાર દેખાવો કરીને આરોપી શિક્ષક અને પ્રિન્સિપાલ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેતુલમારી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહીની ખાતરી બાદ વિરોધ સમાપ્ત થયો હતો.

આ ઘટના વિશે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા તેતુલમારી પોલીસ સ્ટેશનના એસએચઓ આશિષ કુમાર યાદવે જણાવ્યું હતું કે, સોમવારે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. અમે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ અને આરોપી શિક્ષક વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે.