
અમદાવાદમાં 9-9 લોકોનો ભોગ લેનાર ઈસ્કોન બ્રિજકાંડના પ્રત્યાઘાતો હજુ શાંત પડતા નથી ત્યાં આવો જ એક બનાવ ઝારખંડમાં બન્યો છે. પુરઝડપે દોડતી કારે 18 લોકોને કચડયા હતા તેમાંથી 3 લોકોના મોત નિપજયા હતા.
ઝારખંડના પલામૂમાં સ્ટેટ હાઈવે પર રાત્રે 10.30 વાગ્યાના અરસામાં પુરઝડપે દોડી રહેલી કાર એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઘુસી ગઈ હતી તેમાં 18 લોકો કચડાયા હતા. 3ના મોત નિપજયા હતા જયારે 15 લોકો ઘાયલ થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
નજરે જોનારા સાક્ષીઓએ આ બનાવ વિશે જણાવ્યું હતું કે શ્રાવણનો સોમવાર હોવાથી હાઈવે નજીકના પ્લોટમાં ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે દરમ્યાન પુરઝડપે ધસી આવેલી કાર 18 લોકોને કચડીને નાસી ગઈ હતી.
આ ઘટનાને પગલે કાર્યક્રમમાં નાસભાગ મચી ગઈ હતી. કાર હેઠળ કચડાયેલા લોકોને તત્કાળ હોસ્પીટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. તેમાંથી 3ના મોત થયા હતા. ઈજાગ્રસ્તોમાંથી કેટલાંકની હાલત ગંભીર ગણાવાય રહી છે.
પ્રાણઘાતક અકસ્માત સર્જાયા બાદ કારચાલક નાસી ગયો હતો. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ધસી ગયો હતો. અકસ્માત સર્જનાર કાર તથા ચાલકની ઓળખ મેળવવા સીસીટીવી કેમેરાથી પ્રયાસો હાથ ધરાયા છે. સીસીટીવી કેમેરામાં કારની સ્પીડ ઘણી વધારે હોવાનું માલુમ પડયુ હતું.
અમદાવાદના ઈસ્કોનકાંડ જેવી જ આ ઘટનામાં કારચાલકને શોધવા પોલીસે ખાસ ટીમ બનાવી છે. લોકોમાં આક્રોશને ધ્યાને લેતા વધારાનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.