ઝરદારીની પાર્ટીના નેતાઓ સકંજામા:પાક. સરકાર-સેનાના નિશાના પર પીપીપી, નેતાઓ નો-ફ્લાય લિસ્ટમાં

પાકિસ્તાનમાં તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાન બાદ હવે સત્તાધારી ગઠબંધનમાં સામેલ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના નેતાઓ સેનાના નિશાના પર આવી ગયા છે. પીએમ શાહબાઝની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) પણ સેનાને સાથ આપી રહી છે. પીપીપી દેશમાં સમયસર ચૂંટણી યોજવા માટે લાંબા સમયથી અવાજ ઉઠાવી રહી છે. તેમની આ માંગ સેનાના માટે અડચણરૂપ બની. જેના કારણે સેના પ્રમુખ અસીમ મુનીરને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાનમાં પીપીપીના નેતાઓને પણ ઝપટમાં લેવાની તક મળી છે. આ જ કારણ છે કે જે 100 લોકોનું નો-ફ્લાય લિસ્ટ જારી કરવામાં આવ્યું હતતું, તેમાં મોટા ભાગના પીપીપી સાથે જોડાયેલા લોકો છે. પીએમ શહેબાઝે કહ્યું કે નવાઝ 21 ઓક્ટોબરે દેશ પરત આવી શકે છે. જોકે આ તારીખ નક્કી નથી.

વિશ્લેષકોનું કહેવું છે કે 16 મહિનાથી સરકારમાં રહેલા પીપીપીના નેતા આસિફ અલી ઝરદારીએ બંધારણ મુજબ વિધાનસભા ભંગ થયાના 90 દિવસની અંદર ચૂંટણી કરાવવાની માગણી શરૂ કરી દીધી હતી. જ્યારે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (પીએલએલ-એન) પહેલા દિવસથી જ સેનાની સાથે છે. પીપીપીએ સેનાને પીએમએલ-એનથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. નવેમ્બરમાં ચૂંટણીની માંગ કરીને સેના પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો. તેની વિપરીત અસર થઈ. પીએમએલ-એન સાથેના તેમના સંબંધો બગડ્યા. પીએમએલ-એન સેના સાથે જોડાયા.

કથિત ભ્રષ્ટાચાર અંગે વડાપ્રધાન કાર્યાલયને સુપરત કરેલા અહેવાલને સેનાપ્રમુખે ગંભીરતાથી લીધો છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 29 નેતાઓ કથિત રીતે ઈરાની પેટ્રોલિયમ ઉત્પાદનોની દાણચોરીમાં સામેલ છે. તેમાંથી ઘણા પીપીપી સાથે જોડાયેલા છે. અહેવાલો અનુસાર, સરકારી અધિકારીઓની મિલીભગતથી ઈરાનથી પાકિસ્તાનમાં 2.8 અબજ લિટર પેટ્રોલની દાણચોરી કરવામાં આવે છે. આ દાણચોરીથી પાકિસ્તાનને દર વર્ષે 6000 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે.

સૂત્રોનું કહેવું છે કે નો-ફ્લાય લિસ્ટમાં સામેલ લોકોમાં પીપીપીના નેતાઓ અને તેમના નજીકના સહયોગીઓ, પાર્ટીના કાર્યકરો અને પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમના પર સિંધમાં ગેરકાયદેસર રીતે જમીનો અને મિલકતો પર કબજો કરવાનો અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનો આરોપ છે. આ ઉપરાંત ડોલરની સંગ્રાહખોરી અને દાણચોરી સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સૌથી વધુ અસર પીપીપીને થઈ છે જેના નેતાઓ કથિત રીતે આ રેકેટમાં સામેલ છે.

પીપીપી પર બેવડું દબાણ હતું. એક તરફ તેના નેતાઓ, પાર્ટીના કાર્યકરો અને નજીકના સહયોગીઓને નો-ફ્લાય લિસ્ટમાં નાખીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પીપીપી સાથે અન્ય નાના પક્ષોએ પણ કોઈ પણ ચૂંટણી જોડાણથી પોતાને દૂર રાખવાનું શરૂ કર્યું. આનાથી ઝરદારી દબાણમાં આવી ગયા. સમયસર ચૂંટણીઓ યોજવાના તેમના દાવને ઊલટાવીને તેમણે કહ્યું કે ચૂંટણીપંચ નવી ચૂંટણીઓ યોજતા પહેલાં નવેસરથી મતવિસ્તારોનું સીમાંકન કરવા માટે બંધાયેલ છે.