નૌશાદ અલી સાહેબ, આસીફ ખાન સાહેબના ડીરેકશન હેઠળ હિન્દી ફિલ્મ ઇતિહાસની ઐતિહાસિક ફિલ્મ ‘મુગલે આઝમ’ બનાવી રહ્યા હતા. આ ફિલ્મને બનતા સોળ વર્ષ લાગ્યા હતા અને પડદા પર આ ફિલ્મે ધૂમ મચાવી હતી એ પણ ફિલ્મ રસીકો જાણતા હશે. ફિલ્મમાં એક દૃશ્યમાં તાનસેન ગીત ગાતા હોય છે અને સલીમ તેમજ અનારકલી રાત્રીના બીજા પહોરમાં મળી રહ્યા હોય છે. આસીફ ખાને નૌશાદ અલીને પૂછ્યું કે આજના સમયમાં જો તાનસેન ગાય તો તેવું કોણ છે? નૌશાદ અલીએ જવાબ આપ્યો કે એવું એક વ્યક્તિ છે પણ એ ફિલ્મ માટે ગાતા નથી. કોણ છે એ? પ્રશ્ર્નના જવાબમાં નૌશાદ અલીએ કહ્યું-ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન.
બંને ઉસ્તાદ અલી ખાન સાહેબ પાસે પહોંચ્યા. નૌશાદ તને તો ખબર છે કે હું ફિલ્મ માટે નથી ગાતો. આસીફ ખાને સિગરેટનો ઊંડો કશ ખેંચતા જણાવ્યું કે ગીત તો તમે જ ગાશો. ઉસ્તાદ અલી ખાન ગુસ્સે થયા. એ સમયે એક ગીત ગાવાનો ચાર્જ તેઓ પાંચસો રૂપિયા લેતા હતા. આસીફ ખાન સાહેબે પૂછ્યું કે તમે કેટલો ચાર્જ કરશો? આ ગીત તો તમારે જ ગાવાનું છે એમ કહીને ફરી સિગરેટનો કશ ખેંચ્યો. ઉસ્તાદ બડે ગુલામ અલી ખાને વિચાર્યું કે એવો ચાર્જ જણાવું કે તેની બોલતી બંધ થઇ જાય અને પોતાને ફિલ્મમાં ગાવું ન પડે. શાંત મને જણાવ્યું કે તેઓ એ ગીત માટે ૫૦ હજાર રૂપિયા ચાર્જ લેશે.
આસીફ ખાન સાહેબે સિગરેટનો કશ ખેંચતા ખિસ્સામાં પડેલા રૂા.૧૦ હજારનું પેકેટ તેમની સામે ધરીને કહ્યું, લો આ એડવાન્સ રકમ! પછીનો ઇતિહાસ સૌને ખબર છે.
તેમના દિમાગમાં એક વાત બેસી ગઇ હતી કે બેસ્ટ વસ્તુ માટે કોઇ સમાધાન ન જોઇએ. ફિલ્મ શ્રેષ્ઠ બનાવવાનું ઝનૂન કહો કે જુસ્સો કે લગન, આસીફ ખાન સાહેબે જે પેશનથી ફિલ્મ બનાવી, ક્યાંય કોમ્પ્રોમાઇઝ ના કર્યો અને આવા જ અનેક કારણોથી સોળ વર્ષ જેટલો લાં…બો કહી શકાય તેવો સમય વહી ગયો. પરંતુ મુગલે આઝમે રચેલો બોક્સ ઓફિસ રેકોર્ડ આજે પણ યથાવત છે.
સફળતાનું બીજું રહસ્ય છે ઝનૂન, જુસ્સો. તમે કોઇપણ ક્ષેત્રમાં કાર્યરત હો, તમારામાં એ ક્ષેત્ર માટેની લગન એટલી જોરદાર હોવી જોઇએ કે તમારા એ કામ સિવાય તમને બીજું કાંઇ સૂઝે જ નહીં.
વિશ્ર્વના તમામ દેશોના સફળ માનવીઓ પછી તેઓ રમતગમત ક્ષેત્રના હોય, કલા ક્ષેત્રના હોય, ઉદ્યોગ ક્ષેત્રના હોય, પ્રેસ-મીડિયા ક્ષેત્રના હોય કે રાજકારણ ક્ષેત્રના હોય-તેઓ તેમની એ પ્રવૃત્તિની જોરદાર
લગનની લીધે-એક આંતરિક જુસ્સાને લીધે સફળતાના સર્વોચ્ચ શિખરે પહોંચી શકયા હોય છે. વર્તમાન ક્ષેત્રે આપણે ત્યાં ક્રિકેટ ક્ષેત્રે વિરાટ
કોહલી, સિનેમા સંગીતના ક્ષેત્રે શ્રેયા ઘોષાલ, કૈલાસ ખેર, ફિલ્મી પડદા પર નવાઝુદ્દીન, રાજકારણ ક્ષેત્રે શ્રી નરેન્દ્ર મોદી સહિતના અનેક દાખલાઓ મોજુદ છે.
ઉપરોક્ત ગણ્યાગાંઠ્યા દાખલાઓમાં વ્યક્તિત્વોને પોતાના ક્ષેત્રમાં આગળ જવાનો જુસ્સો હતો. તેમના પેશનને ઘરના સભ્યોનો ટેકો મળ્યો. પોતાનો ગોલ નક્કી હતો અને ગોલને બદલવાનું કયારેય વિચાર્યું નહીં. પોતાની અંદર છુપાઇને બેઠેલી લગનની માહિતી નાનપણથી જ હતી. પરિસ્થિતિ તેમને બીજા કાર્યો કરવા પ્રેરતી હશે, પણ જેવો સમય મળે કે તરત તેઓ તેમની લગનમાં લીન થઇ જવાનું ચૂક્તા ન હતા.
ટૂંકમાં કહીએ તો તમારા અંદરના ઝનૂનને, રસને ઓળખી કાઢો અને તેને અનુસરો. એ લગન, જુસ્સો તમને સફળતા અપાવશે. ભલે આખું વિશ્ર્વ, તમારો દેશ કે રાજ્ય જાણે તેવી સફળતા ન મળે, લેકિન-કિન્તુ-પરન્તુ તમારા શહેરના લોકોમાં તમારી પહેચાન અનોખી હોય એવી લગન જગાડો.