ઝાલોદ પાલિકાની વેરા વસુલાત સામે દુકાનદાર અને પાલિકા કર્મીઓ પોલીસે મથકે અરજી કરી

દાહોદ, ઝાલોદ નગરપાલિકા દ્વારા બાકી વેરાની વસુલાત સામે દુકાનદાર અને પાલિકાના કર્મચારીઓએ સામસામે પોલીસ સ્ટેશનમા અરજી કરી.

ઝાલોદ નગરપાલિકા દ્વારા હાલ લેણા વસૂલી માટે કડક રાહે કામગીરી ચાલી રહેલ છે. તેમજ લેણા વસૂલી કરવા જતા જો કોઈ વ્યક્તિ વેરો ન ભરે તો મકાન કે દુકાન શીલ કરવામાં આવી રહેલ છે. આ લેણા વસૂલી કરવા જતા નગરપાલિકા કર્મચારીઓ દ્વારા કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવતા કેટલીક જગ્યાએ બોલાચાલી ના દ્રશ્યો પણ સર્જાયેલ છે.

ઝાલોદ નગરપાલિકા વિસ્તારના હનુમાન નગરમાં દુકાન અને મકાન ધરાવતા દિનેશ ખેંમચંદ કલાલને ત્યાં નગરપાલિકાના કર્મચારીઓ તેમજ ચીફ ઓફિસર વેરાની 60,000 રૂપિયાની વસુલાત કરવા ગયેલ હતા. ત્યારે દિનેશભાઈ દ્વારા વેરો ભરવા માટે આનાકાની તેમજ રકઝક કરવા લાગેલ હતા તેમજ પંદર થી વીસ મિનિટની સમજાવટ બાદ પણ વેરો ન ભરતાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા દુકાન મકાનને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવા લાગતા દિનેશભાઈ તેમજ હિમાંશુભાઈ દ્વારા ધાકધમકી તેમજ અપશબ્દો બોલી સરકારી કામગીરીમાં ખલેલ પહોંચાડેલ હતી. સ્થળ પર વાતચીત દરમ્યાન ઝગડો વધતા ઝપાઝપી થયેલ તેથી તાત્કાલિક પોલીસને બોલવામાં આવતા પોલીસની હાજરીમાં મિલકતને સીલ કરવામાં આવી હતી. આ અંગે નગરપાલિકા કર્મચારીઓ દ્વારા દિનેશભાઈ તેમજ હીમાંશુભાઇ વિરૂદ્ધ કાયદેસર રીતે પોલીસ મથકે અરજી કરવામાં આવેલ છે.

બીજી બાજુ નિર્મલાબેન દિનેશભાઈ કલાલ દ્વારા નગરપાલિકાના કર્મચારીઓ વિરૂદ્ધ અરજી કરેલ છે કે નગરપાલિકાના કર્મચારીઓ વેરો વસુલાત માટે આવેલ તે સમયે તેમના પાસે રૂપિયાની વ્યવસ્થા ન હોવાથી પછી ભરવા કહેલ પરંતુ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા દુકાન મકાનને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરાતા નિર્મલાબેન દ્વારા દુકાન અને મકાનનો આવવા જવાનો રસ્તો એક હોઈ દુકાન બાજુ સીલ મારવાનું કહેલ જેથી ઘરમાં આવવા જવાનો રસ્તો તેમજ વાહન મૂકવાનો રસ્તો રહે પરંતુ નગરપાલિકાના કર્મચારીઓ વાતવાતમાં ઉશ્કેરાઈ જઈ મારામારી કરવા લાગેલ હતા. મારામારી થતા હિમાંશુ કલાલ છોડાવવા વચ્ચે આવતા તેમના સાથે પણ મારામારી કરેલ હતી. તેમજ જતા જતા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ધાકધમકી અને રસ્તા પર ક્યાંય મળી જશે તો મારવાની ધમકી આપેલ હતી જેથી નિર્મલાબેન દ્વારા ઝાલોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપી નગરપાલિકા કર્મચારીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરેલ છે.

આમ, નગરપાલિકા દ્વારા વેરો વસુલાત દરમ્યાન વાત વધી જતાં નગરપાલિકાના કર્મચારીઓ વિરૂદ્ધ તેમજ દિનેશભાઈ કલાલ વિરૂદ્ધ સામસામે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવેલ છે