દાહોદ, દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે છોકરી ભગાવવાના મામલે થયેલ ધિંગાણામાં છોકરીના પરિવારજનો દ્વારા છોકરાના ઘરને આંગ ચંપી કરી દેતાં આગમાં સંપુર્ણ મકાન બળીને ખાખ થઈ ગયું હતું. જ્યારે આ આગમાં બે બળદ, ત્રણ ગાય સહિત એક વાછરડું આગમાં ભડથુ થઈ ગયાંનું જાણવા મળે છે.
ગતરોજ ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે એક પરિવારની છોકરીને એક યુવક દ્વારા ભગાડી લઈ ગયો હતો. આ બાદ યુવતીના પરિવારજનોનું ટોળુ ટાઢાગોળા ગામે છોકરાના ઘરે ઘસી આવ્યું હતું. બંન્ને પરિવારોમાં બોલાચાલી બાદ યુવતીના પરિવારજનો એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને યુવકના ઘરને આંગ ચંપી કરી દેતાં આગમાં યુવકનું ઘર સંપુર્ણ બળીને ખાખ થઈ ગયું હતું. આગમાં ઘર વખરીના સરસામાનની સાથે બે બળદ, ત્રણ ગાય સહિત એક વાછરડું આગમાં બળીને મોતને ભેટ્યાં હતાં. ઘટનાની જાણ ચાકલીયા પોલીસ સહિત ડીવાયએસપી સહિતના પોલીસ કર્મચારીઓને થતાં પોલીસ કાફલો ટાઢાગોળા ગામે દોડી ગયો હતો. ઘટનાની જાણ સ્થાનીક ફાયર ફાઈટરના લાશ્કરોને કરવામાં આવતાં ફાયર ફાઈટરના લાશ્કરો પાણીના બંબા સાથે ઘટના સ્થળે દોડી ગયાં હતાં. આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.