દાહોદ,
દાહોદ જિલ્લાના વેલપુરા નજીક હાઇવે ઉપર પૂરપાટ આવતી એક ફોર વહીલ ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડની સાઈટમાં ઉતરી ગઈ હતી. જોકે, આ ફોર વહીલ ગાડીમાં સવાર 6 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલના ગોધરાના 6 લોકો મારૂતિ અર્ટિગા ગાડીમાં સવાર થઈ લીમડી મુકામે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા. જ્યાંથી તેઓ સંતરામપુર ખાતે જાનમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં વેલપુરા ગામે વળાંકમાં પૂરપાટ જતી મારૂતિ અર્ટિગા ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને આ મારૂતિ અર્ટિગા ગાડી રોડની સાઈટમાં ખાડામાં ઉતરી જવા પામી હતી. જયારે ગાડીનો ધડકાભેર અવાજ સાંભળી ભેગા થયેલા આસપાસના લોકોએ ફોર વહીલ ગાડીમાં સવાર 6 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા અને ટ્રેક્ટરની મદદથી આ ગાડીને બહાર કાઢવા માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે, સ્થાનિકોના જણાવ્યા અનુસાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા ગાડીમાં સવાર ઈસમો નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ આ બનાવ સંદર્ભે કોઈ પણ જાતની પોલીસ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ નશાની હાલતમાં ગાડી ચલાવી પોતાના અને બીજાના જીવ જોખમમાં નાખવા કેટલા અંશે યોગ્ય છે.