ઝાલોદ તાલુકાના પેથાપુર ગામ ખાતે મંત્રી એ.નારાયણસ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

  • આદિવાસીઓના સર્વાંગી ઉત્થાન માટે સરકારે અનેકવિધ જન કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી: મંત્રી એ. નારાયણસ્વામી.
  • મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું.

દાહોદ, છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવાના ઉદ્દેશસહ ગામેગામ ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ઝાલોદ તાલુકાના પેથાપુર ગામ ખાતે ભારત સરકારના સામાજીક ન્યાય અને સશક્તિકરણ વિભાગના રાજ્યમંત્રી એ.નારાયણસ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં આવી પહોંચી હતી. સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રી એ.નારાયણસ્વામીએ જણાવ્યું હતું કે, આદિવાસીઓના સર્વાંગી ઉત્થાન માટે સરકારે અનેકવિધ જન કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ફરીને નાનામાં નાના માણસોને કેન્દ્ર અને રાજ્ય સરકારની બહુવિધ યોજનાઓના લાભો આપી રહ્યો છે. જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરી લોકોનું જીવનધોરણ સુધારવાનો વિકસિત ભારત યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે.

આ પ્રસંગે મંત્રીએ શિક્ષણ, ખેતી, આરોગ્ય જેવા વિવિધ વિભાગોમાં કાર્યરત યોજનાઓનો મહત્તમ લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરતા વધુમાં વિવિધ યોજનાઓ અને તેના લાભોની જાણકારી આપી હતી. ગામડાઓ-ગરીબ મધ્યમવર્ગી છેવાડાના વિસ્તારોના સર્વાંગી વિકાસની નેમ સાથે 22 જેટલી આદિજાતિ યોજનાઓના લાભો આપવાની ઝુંબેશ ચલાવવામાં આવી છે. અને વર્ષ 2047ના વિકસિત ભારતના નિર્માણ માટે સજ્જ બની યોગદાન આપવાનું તેમણે આહ્વાન કર્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું કે, આયુષ્માન કાર્ડ થકી 10 લાખ સુધીની કેશલેસ આરોગ્ય સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવી છે. સરકાર દ્વારા આદિવાસી દિકરા-દીકરીઓને વિદેશ અભ્યાસ માટે લોન સહાય, ડોકટર બનવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે.

આ અવસરે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરે લોકોના હિત માટે અમલી બનાવેલી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. જ્યારે દેશના ગામડાઓ વિકસિત બનશે, ત્યારે જ દેશ વિકસિત બનશે. સરકાર દ્વારા છેવાડાના માનવીને ઘર આંગણે જઈ લાભો આપવામાં આવી રહ્યા છે અને પાત્રતા ધરાવતા તમામને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાકા મકાન આપવા સરકાર પ્રયત્નશીલ છે.ત

આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાએ સરકારની લોક કલ્યાણકારી યોજનાઓથી લોકોને માહિતગાર કર્યા હતા અને કલેકટર ડો હર્ષિત ગોસાવીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

આ વેળાએ મંત્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયુ હતું. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીએ પોતાનો અનુભવ જણાવ્યું હતો.સરકારની યોજનાકીય સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, પ્રાંત અધિકારી ગોહીલ, અગ્રણીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી કલ્પેશભાઈ ગઢવી, તલાટી-કમ-મંત્રી, આરોગ્ય સ્ટાફ, આંગણવાડી વર્કર, તેડાગર, સખી મંડળની બેહેનો અને અન્ય વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.