ઝાલોદ તાલુકાના પેથાપુર ક્રોસિંગ પાસે ટ્રક ચાલકે રિક્ષાને ટકકર મારતા મહિલાનુ મોત

દાહોદ,ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામે પેથાપુર ક્રોસિંગ સામે ફાટક પાસે રોંગ સાઈડમાં આવતી ટ્રક સામેથી આવતી પેસેન્જર ભરેલી સીએનજી રિક્ષા સાથે અથડાતા રિક્ષાનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. રિક્ષામાં સવાર મુસાફરો પૈકી એક મહિલાનુ ધટના સ્થળે જ મોત નીપજયું હતુ.જયારે ચાર મહિલા સહિત છ જણાને ઈજાઓ થતાં તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ટ્રક ચાલક ટ્રક સ્થળ પર મુકી નાસી ગયો હતો.

પેથાપુર ગામના બળવંત ભુરજીભાઈ ડામોરના કુટુંબીભાઈ નિલેશભાઈ સીએનજી રિક્ષામાં મુસાફરો ભરીને મુંડાહેડા ગામ પાસેના પેથાપુર ક્રોસિંગ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ક્રોસિંગ સામેથી એક ટ્રક પુરઝડપે રોંગ સાઈડ ઉપર આવી રહી હતી. જેના ડ્રાઈવરે નિલેશભાઈની રિક્ષાને ટકકર મારતા રિક્ષાનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં રિક્ષામાં સવાર મુસાફરો પણ રોડ પર ફંગોળાયા હતા. જેમાં પેથાપુર ગામના જૈનાબેન બળવંતભાઈ ડાકોરને જીવલેણ ઈજાઓ થતાં તેમનુ ધટના સ્થળે મોત નીપજયું હતુ. જયારે સુમલી સમસુભાઈ ડામોર, વર્ષાબેન મનીશ ડામોર, સાઘ્વી મનીશભાઈ ડામોર, ખુશી વિનેશભાઈ ડામોર, રિક્ષા ચાલક નિલેશ શકરીયા ડામોર તથા રવીન્દ્ર મુકેશભાઈ ડામોરને પણ ઈજાઓ પહોંચી હતી. જે તમામને સારવાર માટે લીમડી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ટ્રકનો ડ્રાઈવર અકસ્માત બાદ ટ્રક ધટના સ્થળે મુકી ફરાર થઈ ગયો હતો. જયારે ધટનાની જાણ લીમડી પોલીસને કરાતા પોલીસે ધટના સ્થળે પહોંચી મૃતકની લાશને પી.એમ.માટે લીમડી સરકારી દવાખાને મોકલી બળવંતભાઈ ડામોરની ફરિયાદના આધારે ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.