ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં અન્નપૂર્ણા ફાઇનાન્સમાં કામ કરતા બે ઇસમો દ્વારા બેંકના રૂપિયા ઉઘરાવી ઉચાપત કરવામાં આવી

  • લીમડી બ્રાંચના 482 ગ્રાહકોના લોનના હપ્તાઓના અંદાજીત 13,50,875 રૂપિયાની ઉચાપત કરવામાં આવી.

ઝાલોદ,ઝાલોદ નગરના લીમડી પોલીસ મથકમાં તારીખ 17-04-2023 ના રોજ અન્નપૂર્ણા ફાઇનાન્સ કંપનીમાં કામ કરતા અધિકારીઓ પર 01-01-2022 થી 31-08-2022 દરમિયાન આજુબાજુના ગામોમાંથી ફાઇનાન્સ કંપનીના રૂપિયાની ઉઘરાણી કરી આવી બઁકમાં જમા ન કરાવ્યા અંગેની ફરિયાદ લીમડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે.

લીમડી ખાતે આવેલ અન્નપૂર્ણા ફાઇનાન્સ કંપની દ્વારા ગ્રામીણ વિસ્તારની બહેનોની મંડળી બનાવી બહેનોને લોન આપવામાં આવેલ હતી. આ બહેનોના બેંકના લોનના હપ્તા બેંકના જવાબદાર અધિકારીઓ દ્વારા ઉઘરાવી લાવવામાં આવેલ છે અને આ અધિકારીઓ દ્વારા આ ઉઘરાવેલ રકમ અન્નપૂર્ણા ફાઇનાન્સ કંપનીમાં જમા કરવામાં આવેલ નથી. આ અધિકારીઓ દ્વારા ફાઇનાન્સ કંપનીમાં રૂપિયા ન ભરી પોતાના અંગત કામ અર્થે આ રૂપિયા વાપરી નાખવામાં આવેલ છે. જેથી આ બંને ગુનાહિત વૃત્તિ ધરાવનાર વ્યક્તિઓ પર ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી લીમડી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.

લીમડી પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈ ફરિયાદ કરનાર ભરતભાઈ કાંતિભાઈ મહેરા જે બરોડા ખાતે અન્નપૂર્ણા ફાઇનાન્સમાં યુનિટ મેનેજર તરીકે ફરજ બજાવે છે અને લીમડી વિસ્તારનું કામકાજની દેખરેખ પણ તેઓ કરે છે. તેમના દ્વારા લીમડી વિસ્તારનું ઓડીટ કરાતા બઁકમાં કામ કરતા નિલેશકુમાર નાનકભાઈ વણઝારા અને નરેન્દ્રકુમાર કાળુભાઈ માંછી જેઓ લીમડી વિસ્તારના અન્નપૂર્ણા ફાઇનાન્સ કંપની વતી રૂપિયા ઉઘરાવવાનું કામકાજ સંભાળતા હતા. આ બે શખ્સો દ્વારા જાન્યુઆરી 2022 થી ઑગસ્ટ 2022 સુધીના રૂપિયા ઉઘરાવી ફાઇનાન્સ કંપનીમાં જમા કરાવેલ નથી. અન્નપૂર્ણા ફાઇનાન્સ કંપની માંથી આશરે 482 ગ્રાહકોની અંદાજીત 13,50,875 જેટલી રકમ તેઓ દ્વારા બઁકમાં ન ભરાતા અંગત લાભ માટે વાપરવામાં આવેલ છે. આ અંગે આ બંને શખ્સને વારંવાર રૂપિયા ભરવાનું જવાબદાર અધિકારી દ્વારા કહેવામાં આવેલ છતાંય ન ભરાતા તેમના પર અન્નપૂર્ણા ફાઇનાન્સના રૂપિયા ઉચાપતની ફરિયાદ લીમડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે.