ઝાલોદ, ઝાલોદ તાલુકાના લીમડીથી ડુંગરી સુધીનો રસ્તો છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હાલતમાં છે. આ રસ્તાની મરામત કરવા માટે જવાબદાર વિભાગના અધિકારીઓને અનેકવાર રજુઆતો કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. જેના કારણે આ રસ્તા ઉપર રોજના કેટલાક અકસ્માતો થઈ રહ્યા છે. તેમજ ધણા અકસ્માતોમાં તો કેટલાંકના મોત પણ થવા પામ્યા છે. જેને લઈને આંબા જિલ્લા પંચાયતના સભ્ય ઉષાબેન વહોનીયા દ્વારા સ્ટેટ હાઈવે નંબર-56 લીમડીથી ડુંગરી સુધીના રસ્તા ઉપર ખાડાઓના લીધે અકસ્માત થવાથી ચાલકોના જીવ જોખમાઈ રહ્યા છે. માટે બેજવાબદારી દાખવનાર અધિકારીઓની તપાસ કરીને તેમની સામે ગુનો દાખલ કરવા માટે જિલ્લા પોલીસ અધિકારીને લેખિતમાં રજુઆત કરી છે. છેલ્લા ધણા સમયથી અવાર નવાર રજુઆતો કરવા છતાં પણ આ રસ્તાની મરામત ન કરાતા આંબા જિ.પં.ના સભ્ય દ્વારા કલેકટરને અને પોલીસ વડાને લેખિત રજુઆત કરી જવાબદારો સામે ગુનો દાખલ કરવા માંગણી કરવામાં આવી છે.