ઝાલોદ તાલુકાના 14 ગામોના લોકોએ ભારત માલા પ્રોજેકટના વિરોધમાં લોકોએ વિરોધ કરતાંં કોરીડોરની કામગીરી બંંધ

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાંથી પસાર થતો ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા નેશનલ કોરિડોરનો ઝાલોદના 14 જેટલા ગામોના લોકોએ ભારે વિરોધ દર્શાવ્યો છે. જેમાં 14 ગામના લોકો કામ ચાલી રહેલ નેશનલ કોરિડોરના સ્થળે પહોંચી જઈ ભારે વિરોધ નોંધાંવ્યો હતો. ત્યારે પરિસ્થિતીને પારખી ગયેલ પોલીસ કર્મચારીઓની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી જ્યાં લોકોનો વિરોધ જોઈ નેશનલ કોરિડોરની કામગીરી બંધ કરવાની ફરજ પડી હતી.

ઝાલોદમાથી પસાર થતાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા નેશનલ કોરિડોરનું કામકાજ ચાલી રહ્યું છે. ત્યારે આ નેશનલ હાઈવે કોરિડોરનો ઝાલોદના આસપાસના ગામોના લોકો દ્વારા અવાર નવાર વિરોધ પણ ભુતકાળમાં કરવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ પુન: એકવાર ઝાલોદના આસપાસના 14 જેટલા ગામોના લોકોએ ફરી એકવાર વિરોધ દર્શાવ્યો છે. જેમાં 14 જેટલા ગામોના લોકોએ નેશનલ કોરિડોરની કામગીરી ચાલી રહી છે, તે સ્થળે એકઠા થયાં હતાં અને આ નેશનલ કોરિડોરનો ભારે વિરોધ નોંધાંવ્યો હતો.

ગ્રામજનોના જણાવ્યાં અનુસાર, આ નેશનલ કોરિડોરના બાંધકામને પગલે પોતાની જમીનો છીનવાઈ ગઈ છે. પોતે ઘર વિહોણા થઈ ગયાં છે સાથે સાથે પોતાના ખેતરો પણ આ નેશનલ કોરિડોરમાં સામેલ થતાં પોતાના ખેતરો પણ છીનવાઈ જતાં ખેતીકામ ન થતાં પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. પશુઓને બાંધવા માટેની જગ્યા પણ બચી નથી. આ નેશનલ કોરિડોરની આસપાસ લોકોના આવેલ ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોના ઉભા પાક જેવા કે, મકાઈ, ડાંગર જેવા પાકને પણ ભારે નુકસાન થયું હોવાનું અહીંના ગ્રામજનો દ્વારા જણાવાયું છે.

ઉપરોક્ત સમગ્ર મામલે દાહોદ જીલ્લા કલેક્ટર તેમજ મામલતદારને વર્ષોથી લેખિત તેમજ મૌખિક રીતે અનેકવાર રજુઆત કરવા છતાંય આજદિન સુધી અમારી સમસ્યાઓનું કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું ન હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં છે. વધુમાં ગ્રામજનોના જણાવ્યાં અનુસાર, તંત્ર દ્વારા આ સમગ્ર મામલે આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે. ઝાલોદના 14 જેટલા ગામોના લોકો દ્વારા આ નેશનલ કોરિડોરનો વિરોધ કરાતાં કોઈ અનીચ્છીનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને જ્યાં સ્થિતીને જોઈ નેશનલ કોરિડોરની કામગીરી બંધ કરવાની ફરજ પણ પડી હતી.