ઝાલોદ તાલુકામાં વૃદ્ધ પેન્શન યોજનાની સહાયમાં કૌભાંડ

ઝાલોદ, ઝાલોદ તાલુકામાં છાશવારે વનવા કોૈભાંડ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે ઝાલોદમાં નકલી કચેરી અને એસબીઆઈ બેંકના કૃષિ લોન કૌભાંડ બાદ હવે વૃદ્ધ પેન્શન યોજનાની સહાયમાં કોૈભાંડ આચરવામાં આવ્યુ છે જેમાં ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામના લાભાર્થીઓ દ્વારા વૃદ્ધ પેન્શન યોજનાની સહાયના નાણાં અન્ય લોકો દ્વારા મોબાઈલના ઓટીપી દ્વારા ઉપાડી લઈને બારોબાર સેરવી લેવામાં આવતા દાહોદ કલેકટર અને જિલ્લા પોલીસવડાને લેખિતમાં રજુઆત કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ધાવડીયાના લાભાર્થીઓ દ્વારા લેખિત રજુઆતમાં જણાવ્યુ હતુ કે,સરકાર દ્વારા અમોને વૃદ્ધા અવસ્થામાં અમારુ ગુજરાન ચલાવવા માટે વૃદ્ધ પેન્શન યોજનામાં નાણાં મંજુર કરવામાં આવે છે. જે નાણાં અંદાજે એક વર્ષથી આજદિન સુધી અમોને મળેલ નથી. જેથી અમોએ અમારા જે ફોર્મ ભરતી વખતે આપેલા એકાઉન્ટમાં તપાસ કરાવતા અમારા એકાઉન્ટમાં કોઈ બેલેન્સ નથી તેવુ જણાવેલ પરંતુ અમોએ મામલતદાર કચેરીએ તપાસ કરાવતા અમોને મામલતદાર કચેરીએ તમારા ખાતામાં પોસ્ટ બેંકમાં નાણાં છે અને તમારા નાણાં ત્યાં જમા થાય છે તેવુ જણાવેલ છે. અમે પોસ્ટ બેંકમાં તપાસ કરાવતા અમને પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા અમારા ખાતાનુ અન્ય વ્યકિતના મોબાઈલમાં ઓટીપી જાય છે અને તે ઓટીપી દ્વારા ખાતાના નાણાં ઉપડી જાય છે તેમ જણાવેલ હતુ. જેથી આ નંબરવાળી વ્યકિતઓ સામે તપાસ કરીને કડક સજા કરવા સાથે અમોને નાણાં આપવા માટેની ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરવામાં આવી છે.