ઝાલોદ તાલુકામાં સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસભેર ઉજવણી: સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો કરી ઉત્સાહથી ઉજવણી કરતાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો

આજના સ્વાતંત્ર્ય દિવસ નિમિતે દરેક ભારતીય કોઈને કોઈ સ્વરૂપે દેશપ્રેમ વ્યક્ત કરતા જ હોય છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરાવીને તેમની રાષ્ટ્રચેતનાને વધુ પ્રબળ બનાવી છે. આ અભિયાનથી તમામ ભારતીયો પોતે ભારતીય હોવા પર ગર્વ અનુભવી રહ્યા છે.

ઝાલોદ તાલુકામાં પ્રાંત અધિકારી એ.કે.ભાટિયાની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામા આવી હતી. આ દિવસ નિમિતે દેશભક્તિના નારાઓ વચ્ચે વહેલી સવારથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

કાર્યક્રમના અંતે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ વ્યક્તિ વિશેષ તેમજ અભ્યાસમાં શ્રેષ્ઠ દેખાવ બદલ સન્માન પત્ર તેમજ ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી એ.કે.ભાટિયા દ્વારા ધ્વજવંદન કર્યા બાદ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર તાલુકામાં ઠેરઠેર રેલીઓ, સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો, શાળાઓમાં ઉત્સાહથી ઉજવણી સહિત જશ્ર્નનો માહોલ જોવા મળ્યો હતો.

આ પર્વમાં તાલુકા વિકાસ અધિકારી કે.એચ.ગઢવી, ઝાલોદ મામલતદાર શૈલેન્દ્ર પરમાર, લીમડી પી.એસ.આઇ વી.જી.ગોહિલ, ફોરેસ્ટ ઓફિસરો , જીલ્લા, તાલુકા સભ્યો અને સરપંચો, આગેવાનો સહિત, પદાધિકારીઓ, પોલીસકર્મીઓ, શાળાનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.