- કાર્યક્રમમાં બ્રહ્માકુમારી મીતા દીદી અને ડો સોનલ દેસાઈ દ્વારા યુવાઓને સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું.
દાહોદ,તારીખ 09-05-2023 મંગળવાર નારોજ સાંજે 5:30 કલાકે નારાયણી પરિસરમાં ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગાંધીનગર પ્રેરિત સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ઝાલોદ નગર દ્વારા Y20 “ગુજરાત યુવા સંવાદ”નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ વર્તમાન સમયમાં રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે રાષ્ટ્રની યુવા શક્તિને જાગૃત કરી તેમને સંગઠિત કરી શિક્ષિત બનાવી રાષ્ટ્રને વિકાસ તરફ લઈ જાય તેવો હેતું હતો.
આ પ્રોગ્રામની શરૂઆત આમંત્રિત મહેમાનો મીતા દીદી અને ડો. સોનલ દેસાઈ દ્વારા દિપ પ્રાગટય કરી કરવામાં આવી હતી, તેમજ ત્યાર બાદ સહુ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં દાહોદ જીલ્લા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના સંયોજક સુનિલભાઈ પટેલ તેમજ જીલ્લાના પૂર્વ વાલી અગ્નેશભાઈ પંચાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સહુ પ્રથમ દાહોદ જીલ્લાના સંયોજક સુનિલ પટેલ દ્વારા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા થતી કામગીરી થી લોકોને માહિતગાર કર્યા હતા.
ઉપસ્થિત મહેમાનોમાં ડો. સોનલ દેસાઈ દ્વારા આજના યુવાધનને કેવી રીતે નિરોગી રહી આરોગ્ય સાચવવું જોઈએ તેની સુંદર સમજણ આપી હતી. ડો.સોનલ દેસાઈ એ કહ્યું હતું કે આજના યુવાનો એ પોતાના વિચારો પોઝીટીવ કેવી રીતે રાખવા તેની સમજ પણ આપી હતી તેમજ આજના સમયમાં મોબાઇલના દુષણ વિશે પણ સમજ આપી આજના સમયનો યુવા સહુથી વધુ ટાઇમ મોબાઇલને આપી રહ્યો છે, તેને રોકવા પર ભાર મૂકવામાં આવ્યો હતો તેમજ મોબાઇલના દુષણને લઈ યુવા વર્ગ રાત્રે જલ્દી સૂતો નથી તો યુવાનોએ પોતાને માનસિક રીતે સ્વસ્થ રહેવા જલ્દી સૂઈ જવું જોઈએ તેમજ મોબાઇલનો ઉપયોગ ફક્ત કામ પૂરતો કરવો જોઈએ તેવી સમજ યુવાનોને આપી હતી. આજના યુવાનોને સ્કીલ ડેવલપમેન્ટ વિશે સમજ આપતા કહ્યું હતું કે આજના યુવાઓ એ મજૂર નહીં પણ કારીગર ની જેમ એટલેકે પોતાની બુદ્ધિનો મહત્તમ ઉપયોગ કરી દેશના અને પોતાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેમજ છેલ્લે તેમણે આજના યુવાનોને સારો અભ્યાસ કરે તેના પર ભાર મૂક્યો હતો. જો આજનો યુવાન અભ્યાસમાં પાછળ રહેશે તો તે પાછળથી ખૂબ પસ્તાશે. તેથી ભણતર થી જ જીવનમાં ઘડતર આવશે તેની પણ સુંદર સમજ આપી હતી.
ત્યાર બાદ બ્રહ્માકુમારીઝનાં મીતા દીદી એ આજના યુવાનોને માર્ગદર્શન આપતા કહ્યું કે આહારમાં શુદ્ધ સાત્વિક ખોરાક લો, બહારનું ખાવાનું ટાળો તેથી આજનો યુવા માનસિક અને શારીરિક રીતે મજબૂત બને તેથી સારૂં ખાઓ જેથી સારા વિચારો આવે.આજનો યુવા વર્ગ દેશનું ઉજ્વળ ભવિષ્ય છે, તેમજ દેશ અને યુવાનુ પોતાનું ઘડતર પણ આજના યુવાનાં હાથમાં છે, જેથી આજના યુવાઓ એ સારા અને સાચા વ્યક્તિ તેમજ શિક્ષિત બની દેશુંનું નવ નિર્માણ કરવાનું છે. જેથી દેશ પાછો સોને કી ચીડિયા બને અને દેશનો સુવર્ણ યુગ આવે. આજના યુગમાં શોહરત કરતા સારા માણસની કદર વધુ થાય છે. જેથી દેશના યુવા વર્ગે આ દિશામાં આગળ આવવું જોઈએ.
છેલ્લે સ્વામી વિવેકાનંદ ઝાલોદ કેન્દ્રના સંયોજક અભય ભાટીયા એ ઉપસ્થિત સહુ મહેમાનો તેમજ યુવાઓનો આભાર માન્યો હતો. આખા પ્રોગ્રામ દરમ્યાન ખૂબ સુંદર રીતે સ્ટેજ પરનું સંચાલન રાજેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.