
ઝાલોદ, તારીખ 08-11-2023 બુધવારના રોજ મુવાડા ચોકડી પર આવેલ સ્વામિનારાયણ મંદિરે સંતો દ્વારા અન્નકૂટના દર્શન સાથે દિવાળીની શુભેચ્છા નિમિતે દિવાળી સભા યોજાઈ હતી. આ દિવાળી સભાનો લાભ લેવા મોટાં પ્રમાણમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા હરિભક્તો નગરના આજુબાજુના વિસ્તારોમાંથી મંદિરે આવેલ હતા.
દિવાળી પહેલા યોજેલ દિવાળી સભામાં સંતવાણી આપવા આવેલ સંતો દ્વારા દિવાળીનો સાચો અર્થ શું તે સમજાવવામાં આવ્યું હતું. સંતો દ્વારા દિવાળી સભામાં સહુને વાણી દ્વારા અમૃત રસનું રસપાન કરાવવામાં આવ્યું હતું. સભામાં સંતો દ્વારા દિવાળી વિશે સમજ આપતા કહેવામાં આવ્યું કે દિવાળીમાં જેમ ઘરે દીપ પ્રગટાવીએ છીએ તેમ આપણે સહુ આપણી આત્માનો દીવો પ્રજ્વલિત કરીએ. આજના દિવસોમાં તહેવારો ઉજવવામાં ફક્ત ફોર્માલીટી થતી હોય તેમ લાગે છે. આજના જીવનમાં મનુષ્ય દરેક કાર્ય ફક્ત ફોર્માલીટી માટે કરતો હોય તેમ લાગે છે. દિવાળી ઉજવવામાં દિવાળુના નિકળે તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. દિવાળીમાં દીવો કરવો હોયતો પોતાની અંતરાત્માનો દીવો કરાય, દિવાળી હોય તો ઘરમાં બધું નવ કરતા હોઈએ તો વિચારો પણ નવા અને સારા લાવીએ. આપણે દિવાળી નિમિત્તે સારા સંબંધ હોય તેમને રાજી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ તો જે સંબંધ સમજફેર થી તૂટયા હોય તો તે સંબંધને પણ મહત્વ આપી જૂનું બધું જતું કરી સંબંધમાં નવીનતા લાવીએ. રાજી કરવા હોય તો મહારાજને રાજી કરાય બાકી બધું વ્યર્થ છે. મહારાજની કૃપા લેવા સંબંધોમાં પૂર્વગ્રહ, હઠ, જીદ છોડો અને જેટલું જીવન જીવવાનું છે તેમાં કોઈ પણ વ્યક્તિ સાથે આટી કે વેરઝેર રાખ્યા વગર પ્રેમનો સંબંધ મજબૂત કરાય.
આ નવા વર્ષમાં આપણે નવી શરૂઆત કરીએ એક બીજાના મનની ગાંઠ છોડીએ એક બીજાના પુરાક બનીએ, અહંકાર છોડી સત્કાર્ય તરફ વળીએ જેના સાથે સંબંધો બગડયા છે, તેના સાથે સંબંધોમાં મધુરતા લાવીએ. દિવાળીમાં મોઢું મીઠું કરવા જેમ મીઠાઈ ખાઈએ છીએ તેમ સંબંધોમાં મીઠાશ લાવીએ, ભૂતકાળને ભૂલી નવાં ભવિષ્ય તરફ આગળ વધીએ. સહુ સાથે બગડેલ સંબંધ જોડી સાચા અર્થમાં દિવાળી ઉજવીએ. એક કદમ સંબંધ સુધારવા આગળ વધીએ, કોઈ પણ વ્યક્તિમાં બુરાઈ ન જોઈએ, સત્કર્મ તેમજ સારી વાતો કરી લોકોના દિલ જીતીએ આવી સુંદર વિચારધારા ઉપસ્થિત સ્વામિનારાયણ સંતો દ્વારા કરવામાં આવી હતી. છેલ્લે સહુ હરિભક્તો માટે સામૈયાનુ આયોજન કરાયું હતું તેનો લાભ સહુ હરિભક્તો એ લીધો હતો.