શ્રાવણ માસ ભગવાન ભોળાનાથનો સૌથી પ્રિય છે. આ મહિનામાં સોમવારનું વ્રત અને શ્રાવણ સ્નાન કરવાની પરંપરા છે. શ્રાવણ માસમાં બેલપત્રથી ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે છે અને તેમને જળાભિષેક કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની પૂજા આરાધનાનું વિશેષ વિધાન છે. શ્રાવણ માસ શિવજીની સાથે માતા પાર્વતીને પણ સમર્પિત છે. ભક્ત શ્રાવણ મહિનામાં સાચા મનથી અને સંપૂર્ણ શ્રદ્ધાની સાથે મહાદેવનું વ્રત ધારણ કરે છે અને તેમને શિવના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થાય છે. વિવાહિત મહિલાઓ અને વૈવાહિક જીવનને સુખમય બનાવવા અને અવિવાહિત મહિલાઓ સારા પતિ માટે શ્રાવણમાં શિવજીનું વ્રત રાખે છે.
ઝાલોદ નગરના સ્થાનિક શિવ ભક્તો દ્વારા શ્રાવણ માસ નિમિતે નિત્ય પૂજા, અર્ચના કરવામાં આવતી હતી તેમજ પૂજા અર્ચના કર્યા બાદ દરરોજ શિવજીને અવનવા શણગાર કરવામાં આવતા હતા. દરરોજ રામદ્વારા મંદિરે ભોળાનાથના ભજન કીર્તન પણ કરવામાં આવતા હતા, તેમજ આખા શ્રાવણ માસમાં હવન પૂજાનુ પણ વિશેષ આયોજન કરવામાં આવેલ હતું. તેમાં ભાવિક ભક્તો પૂરા ભક્તિ ભાવ સાથે નિત્ય દરેક પૂજામાં સામેલ થઈ ભોળાનાથની આરાધનાનુ ફળ મેળવતા હતા.