
ઝાલોદ, ઝાલોદ તાલુકામાં પ્રાંત અધિકારી અને તાલુકા વિકાશ અધિકારીના સંયુક્ત ઉપક્રમે આંગણવાડી બહેનો દ્વારા રંગોળી બનાવી મતદાન જાગૃતિ અંગેનો સંદેશો આપવામાં આવ્યો હતો. દાહોદ જીલ્લા ચૂંટણી અધિક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ ઝાલોદ નાયબ ચુંટણી અધિક્ષક ભાટિયા દ્વારા અલગ અલગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખી મતદાન વધુમાં વધુ થાય તે માટે મતદાન જાગૃતિ હેઠળ દરરોજ સુંદર પ્રોગ્રામો કરવામાં આવી રહેલ છે.
આજરોજ પ્રાંત અધિકારી દ્વારા તાલુકા વિકાશ અધિકારીને સાથે રાખી આઇ.સી.ડી.એસ.ની આંગણવાડીની બહેનો દ્વારા સુંદર મતદાન જાગૃતિ અંગે સંદેશો આપતા રંગોળી મૂકવામાં આવી હતી. જેમાં તારીખ 07-05-2024 ના રોજ અચૂક મતદાન કરવું, મતદાન મહાદાન, વોટ એજ મારો સંદેશ, મતદાન થી વિશેષ કઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ, મત આપો અને મત અપાવો દેશને ઓળખ અપાવો જેવા સુંદર મતદાન જાગૃતિ અંગેના સૂત્રો મૂકવામાં આવ્યા હતા.
નગરની મામલતદાર કચેરી ખાતે તાલુકાના ઘણા બધા લોકો પોતાના વહીવટી કામના નિરાકરણ માટે આવતા હોય છે. જેથી આવતા જતા સહુ લોકો આ રંગોળી જોઈ અને લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરે. આ સુંદર પ્રોગ્રામને સફળ બનાવવા પ્રાંત અધિકારી તેમજ નાયબ ચુંટણી અધિક્ષક અને બાળ વિકાસ યોજના અધિકારી નીલુબેન માછી, નાયબ મામલતદારો, આંગણવાડીની બહેનો દ્વારા સુંદર રંગોળી મતદાન જાગૃતિના પ્રોગ્રામનુ આયોજન કરવામાં આવ્યું હતું.