ઝાલોદ,ઝાલોદ પ્રાંત અધિકારી તરીકે ફરજ નિભાવતા આર.આર.ગોહિલની બઢતી સાથે બદલી થતાં તેમજ નવાં પ્રાંત અધિકારી તરીકે ફરજ નિભાવવા માટે આવતા એ.કે.ભાટીયાનો આવકાર સમારંભ તારીખ 13-02-2024 મંગળવારના રોજ સાંજના 6 કલાકે પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવેલ હતો. આ સમારંભમાં ઝાલોદ, ફતેપુરા અને સંજેલીના પ્રાંત કચેરી અંતર્ગત આવતો તમામ સ્ટાફ, ત્રણે તાલુકાના ટી.ડી.ઓ નગરની બેન્કના મેનેજરો, ઝાલોદ અને સુખસરના પી.એસ.આઇ તેમજ આમંત્રીત મહેમાનો સમારંભમાં ઉપસ્થિત રહેલ હતા.
સહુ પ્રથમ ઉપસ્થિત તમામ લોકોનું સ્વાગત કરી સમારંભની શરૂઆત કરવામાં આવી હતી. ઝાલોદ પ્રાંત અધિકારી તરીકે બે વર્ષ ફરજ નિભાવનાર આર.આર.ગોહીલની સાથે કામગીરી કરનાર સહુ લોકોએ તેમની સાથે કામ કરવાની આગવી શૈલી, કામની નીપુણતા તેમજ તેમના મિલનસાર સ્વભાવને લઈ યાદગાર ક્ષણોને વર્ણવી હતી. તેમની કામ કરવાની ધગશ તેમજ કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ નિર્ણય લેવાની ક્ષમતાને લઈ ખૂબ ખૂબ ટૂંકા ગાળામાં સહુના દિલમાં વસી ગયેલ હતા. કોઈ પણ ફાઇલનો નિકાલ ત્રણ મહિના જેવા ટૂંકા ગાળામાં કરવાની તેમની આવડત અને કુનેહને લઈ પ્રાંત ઓફિસમાં કોઈ પણ વહીવટી કામગીરી પેન્ડીંગ ન રાખવા માટે સખત પ્રયત્નશીલ રહેવું તે તેમની આગવી ઓળખ હતી. તેમની કામગીરીની નોંધ ગુજરાત સરકાર દ્વારા લઇ સારી કામગીરીના પ્રમાણપત્ર પણ આપવામાં આવેલ છે. આર.આર.ગોહીલને અધિક કલેક્ટર તરીકેની બઢતી મળતા ઉપસ્થિત સહુ કોઈ તેમની નિયુક્તિ દાહોદ થાય તેમ ઇચ્છી રહેલ હતા. જેથી તેમની સુંદર આવડતનો લાભ હજુ સહુ કોઈને મળે અને દાહોદ જિલ્લો વધુ વિકાસસીલ બને તેવું સહુ કોઈ આશા સેવી રહેલ હતા. છેલ્લે આર.આર.ગોહીલ દ્વારા પ્રાંત કચેરીના સ્ટાફ તેમજ તેમના સાથે જોડાયેલ તમામ લોકોએ તેમને વહીવટી કામગીરી કરવામાં સુંદર સાથ સહકાર આપ્યો તે બદલ સહુનો આભાર માન્યો હતો તેમજ ઝાલોદ નગરની સુંદર યાદોને સંભારણું લઇ જઇ રહેલ છે તેમ વર્ણવ્યું હતું. તેમજ ભલે હવે ઝાલોદ નગરમાં થી બદલી થયેલ છે છતાય કોઈ પણ સારા અને સાચા ન્યાયિક કામ માટે કોઈ પણ વ્યક્તિ તેમનો સંપર્ક સાધસે તો તેઓ ચોક્કસ તેમને સહાયરૂપ થવાનો પ્રયત્ન કરશે તેવું પણ કહેલ હતું.
છેલ્લે ઉપસ્થિત સહુ લોકોએ આર.આર.ગોહીલને દાહોદ જિલ્લાની આગવી ઓળખ એવી આદિવાસી બંડી, તીર કામઠા, હાથમાં ભોંયરૂ પહેરાવી તેમજ શાલ તેમજ પુષ્પ ગુંચ્છ આપી તેમને વિદાય કર્યા હતા. તેમજ નવાં પ્રાંત અધિકારી તરીકે આવેલ એ.કે.ભાટીયા પણ આવી રીતે જ સુંદર કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરી તેમને આવકારવામાં આવેલ હતા તેમજ તેમનું સ્વાગત કરવામાં આવેલ હતું.