ઝાલોદ નગરમાં ગણપતિ બાપાનુ આગમન વાજતે ગાજતે થઈ રહેલ છે, તેમજ હવે ગણતરીના કલાકોમાં ગણપતિ સ્થાપના નગરમાં અનેક વિસ્તારોમાં થવાનું છે. તેને લઈ ઝાલોદ નગરના પી.આઈ એચ.સી રાઠવા દ્વારા પોલીસ સ્ટેશનમા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ શાંતિ મીટીંગમાં આગામી સમયમાં ઈદ અને ગણપતિ વિસર્જન થનાર છે. તેને અનુલક્ષી મીટિંગ યોજાઈ હતી. પી.આઈ એચ.સી.રાઠવા દ્વારા ઉપસ્થિત લોકોને આવનાર તહેવારોની શુભકામના આપતા ઉત્સવો હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા સુચન કર્યું હતું.
તેમજ ઉત્સવ દરમ્યાન કોઈ પણ જાતની અફવા પર ધ્યાન ન આપી પોલીસનો સીધો સંપર્ક કરવા જણાવ્યું હતું, સોશિયલ મીડિયામા કોઇના ધર્મને હાનિ પહોંચે તેવી પોસ્ટ ન મૂકવી, ઉત્સવ દરમ્યાન કોઈપણ જાતની ઘટના બને અથવા કોઈ તકરાર થાય તો ઝગડાનુ રૂપ મોટું ન થાય તે માટે પોલીસનો સીધો સંપર્ક કરવો, ઉત્સવ દરમિયાન સાઉન્ડ ડી.જે તેમજ ભગવાનનો રથ નગરના માર્ગો પર કોઈ પણ અડયણ વગર નીકળે તેવું આયોજન કરવું તેમજ સમયે સમયે પોલીસ દ્વારા અપાયેલ નિર્દેશોનુ પાલન કરવું, શોભાયાત્રા દરમિયાન કોઈ પણ જાતના હથિયારો સાથે નીકળવું નહીં.
કોઈ પણ જાતનું વ્યસન કરી જોડાવું નહીં તેમજ પોલીસ નગરના સહુ લોકોની મિત્ર જ છે, તેથી કોઈ પણ બનાવમાં પોલીસનો સીધો સંપર્ક અવશ્ય કરવું તેમજ આવનાર ઉત્સવો શાંતિ અને હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણમાં હળીમળીને ઉજવાય તેવી હાકલ પી.આઈ એચ.સી.રાઠવા દ્વારા કરવામાં આવી હતી.