ઝાલોદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ જાહેર જનતાના હિત માટે ખુલ્લું મુકતા આઈ.જી. અને એસ.પી.

ઝાલોદ,ઝાલોદ નગરમાં આજ રોજ તારીખ 09-05-2022 મંગળવારના રોજ સવારે 10:30 વાગે પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને એસ.પી બલરામ મીણા દ્વારા નગરના પોલીસ પરેડ ગ્રાઉંડને જાહેર જનતાના હિત માટે નગરના અગ્રણીઓ તેમજ પોલીસ સ્ટાફની વચ્ચે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

એસ.પી. બલરામમીણા એ આ પ્રસંગે કહ્યું કે આ પોલીસ પરેડ ગ્રાઉંડ ખૂબ નજીવી કીંમતે લોકહિત તેમજ લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં લગ્ન, ઘાર્મિક કે સામાજીક પ્રોગ્રામો માટે નજીવી કીંમતે ગ્રાઉંડના નિભાવ ખર્ચ માટે લેવામાં આવનાર છે. તેમજ આ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનની બિલકુલ સામે હોવાથી સુરક્ષા પણ મળી રહેશે. આ પોલીસ પરેડ ગ્રાઉન્ડનો ઉપયોગ સવાર તેમજ સાંજે રોજ ફરવા નીકળનાર લોકો પણ કરી શકે છે.

આઇ.જી ચિરાગ કરોડિયા અને એસ.પી બલરામ મીણા દ્વારા ઉપસ્થિત લોકોને નગરમાં કોઈ જાહેર સમસ્યા હોય તો તે કહેવા જણાવ્યું હતું. ત્યારે ઉપસ્થિત લોકો દ્વારા ટ્રાફિક સમસ્યા તેમજ નગરનો અમુક વર્ગ ડ્રગ્સ, અફીણના બંધાણી બનેલ છે તો આવા વર્ગને બચાવવા આ અંગે પગલા લેવા જોઈએ તેમજ આ ગેરકાયદેસર મળતો ડ્રગ્સ કે અફીણ ક્યાથી આવે છે તે અંગે આવા માફિયાઓ પર બાજ નજર રાખી એવા લોકોને પકડવા માટે લોકોએ માંગ કરેલ હતી. આગામી સમયમાં નગરમાં નીકળનાર રથયાત્રાની સુરક્ષાની તૈયારીના ભાગ રૂપે સી.સી.ટી.વી કેમેરા નગરમાં વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ દરેક સમસ્યાઓનુ સમાધાન પોલીસ દ્વારા લાવવામાં આવશે તેવી બાયધરી આઇ.જી કોરડીયા તેમજ એસ.પી બલરામ મીણા દ્વારા આપવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત સહુ લોકો પોલીસ સ્ટાફના કહેવાથી આવવા બદલ સહુનો આભાર પણ એસ.પી બલરામ મીણા દ્વારા માનવામાં આવ્યો હતો.

આઈ.જી કોરડિયા, એસ.પી મીણા, ડી.વાય.એસ.પી પટેલ, પી.એસ.આઇ.રાઠવા તેમજ ઉપસ્થિત નગરજનો દ્વારા પોલીસ પરેડ ગ્રાઉંડની અંદર પ્રાકૃતિક રીતે શોભા વધારવા વૃક્ષા રોપણનો પ્રોગ્રામ પણ ઝાલોદ પોલીસ દ્વારા યોજવામાં આવ્યો હતો. જેથી આવનાર દિવસોમાં આ વૃક્ષ પોલીસ પરેડ ગ્રાઉન્ડની શોભા વધારે તેમજ અહીં આવનાર લોકોને કુદરતી વાતાવરણનો અહેસાસ થાય તે રીતનું સુંદર આયોજન ઝાલોદ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું.