ઝાલોદ નગરપાલિકા દ્વારા પ્રી. મોન્સૂન અન્વયે નગરમાં કોઈ પણ જાતની નક્કર કામગીરી કરી હોય તેવું જોવા મળતું નથી. નગરમાં ખાડાઓ, ગટર લાઈન પર લોખંડની જાળીનો અભાવ, વરસાદ વધારે આવે તો તેના પાણીનો નિકાલ આ બધી કામગીરી કદાચ ફક્ત કાગળ પર કામ દર્શાવવા કરી હોય કેમકે નગરમાં આવી બધી કામગીરીમાં પાલિકા તંત્ર સુસ્ત હોય તેમ લાગી રહેલ છે.
ઝાલોદ નગરમાં જો વરસાદ વધુ વરસે અને નગરનું રામસાગર તળાવ જો ભરાઈ જાય તો તે પાણીના નિકાલ માટે જે ખુલ્લી ગટર બનાવવામાં આવેલ છે, તે ગટર લાઈનની સફાઈ પાલિકા દ્વારા કરવામાં આવેલ નથી. તળાવના પાણીના વરસાદી માટે બનાવવામાં આવેલ કેનાલોમા જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય વધી ગયેલ છે. ઝાલોદ શિવમ પેટ્રોલ પંપ પાસે પાલિકાની તળાવના વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલ જોઈએ તો ત્યાં મોટી મોટી વનસ્પતિ ઉગી ગયેલ છે. વળી આટલી મોટી સંખ્યામાં વનસ્પતિ કેનાલમાં ઉગી નીકળતા ત્યાં જીવ જનાવર પણ હોય શકે… પાલિકા દ્વારા બે વર્ષ પહેલા બનાવેલ મોટી ગટર લાઇનનું પાણી પણ આ ગટરમાં જ જાય છે.
વધારે વરસાદ પડે તો આ કેનાલમાં ભરાયેલ પાણી પાસેની સોસાયટીમા ભરાઈ જાય છે, તેથી વધુ પાણી જો આવે અને પાસેની સોસાયટીના રહીશોના ઘરમાં જો પાણી ભરાઈ જાય તો નાના મોટા જનાવર ઘરમાં આવી જાય તેવો ડર સતત અહીંના રહેવાસીઓને સતાવે છે. વર્ષો થી વધુ વરસાદ પડે ત્યારે મુખ્ય માર્ગો પર પણ પાણી આવી જાય છે, તો પાલિકાએ નગરની આ સમસ્યાને ધ્યાને કેમ લીધી નથી. હાલ કુંભકર્ણની નિંદ્રામાં આરામ ફરમાવતા સત્તાધીશોની આંખો ક્યારે ખુલશે. તેઓ પ્રશ્ર્ન અહીંના રહીશોને સતાવી રહેલ છે. નગરના લોકો ચર્ચા કરી રહેલ છે.
પાલિકાને પ્રી.મોન્સૂન કામગીરી માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય તો આ ગ્રાન્ટ ક્યાં વપરાય છે…? પાલિકાને પ્રી.મોન્સૂનની કામગીરી માટે મળતી ગ્રાન્ટનો વહીવટ ફક્ત કાગળ પર થાય છે કે શું ….? કાગળ પર ગ્રાન્ટ વપરાતી હોય તો આ ગ્રાન્ટ કોણ બારોબર ઉપાડી લે છે….? આવા પ્રશ્ર્નો નગરમાં ચર્ચાતા જોવા મળી રહેલ છે. બીજી બાજુના પાસામાં એવી પણ ચર્ચા છે કે જો પાલિકાને પ્રી.મોન્સૂન માટે ગ્રાન્ટ ન આવતી હોય તો ચોક્કસ પ્લાન બનાવી ગ્રાન્ટની માંગણી કેમ કરવામાં આવી નથી…?
આ બધા પ્રશ્ર્નો વચ્ચે નગરજનોને દરેક તબક્કે ભોગવવાનો વારો આવે છે. પાલિકામા ખુરસી પર બેસી કામ કરતા કર્મચારીઓના અણઆવડતનો ભોગ જાહેર જનતા બની રહેલ છે. ખુરસી પર બેઠા સત્તાધીશો ખુરસી પર થી ઉઠી નગરમાં દરેક વિસ્તારમાં ફરી ત્યાં રહેતા રહેવાસીઓ પાસે સમસ્યા જાણી નગરજનોની સમસ્યા દૂર કરે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.