ઝાલોદ પાલિકા દ્વારા છેલ્લી ટર્મમાં વિકાસના કામો પુર્ણ ન થતાં નગરજનોમાં નારાજગી

ઝાલોદ, ઝાલોદ પાલિકાની ટર્મ પુરી થતાં હાલ પાલિકાની ધુરા વહીવટદાર પાસે છે. ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં પાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઈને નગરજનોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. તો છેલ્લા પાંચ વર્ષમાં એકપણ કામગીરી પુર્ણ કરવામાં અસમર્થ રહેલા પાલિકાની સત્તા સંભાળનારા બંને પક્ષો માટે નગરજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઝાલોદ નગરના વિકાસ માટે સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કરોડો રૂપિયાની ગ્રાન્ગ ફાળવવામાં આવેલ છે. જેમાં નગરની આગવી ઓળખ, રસ્તા, ડ્રેનેજ, બ્યુટિફિકેશન, સોલર લાઈટ, વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ હજુ તેમાના કેટલાક કામો અધુરા છે. છેલ્લા પાંચ વર્ષમાં પાલિકાની સત્તા પહેલા અઢી વર્ષ કોંગ્રેસ અને પછી ભાજપ એમ બંને પક્ષો દ્વારા સંભાળવામાં આવી હોવા છતાં બંને પક્ષોએ વિકાસની મોટી મોટી વાતો જ કરી અને નગરજનોને માત્ર આશ્ર્વાસનો જ આપ્યા હોવાનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.