- વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રખંડ તેમજ બજરંગ દળના કાર્યકરો દ્વારા શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.
- કારસેવામાં શહીદ થયેલ રાજેશ સોનીને આજે 30 વર્ષ થયા છતાંય લોકો સ્મરણોમાં તેને યાદ રાખે છે.
ઝાલોદ નગરમાં 6 ડિસેમ્બર 1992 ના રોજ અયોધ્યામાં કારસેવા કરવાં ગયેલા કારસેવક રાજેશ સોનીને આજે શહિદ થયે 30 વર્ષ થઈ ગયા હોવા છતાય રાજેશ સોની લોકોના દિલમાં વસી ગયેલ છે. અયોધ્યા ખાતે કારસેવા કરવાં ગયેલ રાજેશ સોની ત્યાં શહિદ થઈ ગયેલ હતા પણ તેની સાથે કારસેવા કરવાં સાથે ગયેલ લોકો તેની વાતોને આજે પણ ગૌરવભેર યાદ કરી સ્મરણોને આજે પણ યાદ કરે છે. રાજેશ સોની ઝાલોદ નગરની ભૂમિ પર આજે પણ અમર છે. તેના નામને અને તેના બલિદાનને સન્માન આપવા માટે ઝાલોદ નગરના વડબઝારના વિસ્તારને શહિદ રાજેશ ચોક નામ આપવામાં આવેલ હતું. જેથી નવી પેઢીને રાજેશ સોનીની ગૌરવ ગાથા વિશે સદાય જાણકારી મળતી રહે.
6 ડિસેમ્બર 1992 ના રોજ ઝાલોદના નવયુવાન યુવકે કારસેવા દરમ્યાન શહીદી વહોરી હતી. જ્યારે તેની અંતિમ યાત્રા ઝાલોદ નગરમાં કાઢવામાં આવેલ હતી. ત્યારે ઝાલોદ નગરની દરેક આંખો રડતી હતી અને શહીદ રાજેશ અમર રહોના નારા સાથે તેને વધાવી લીધેલ હતી. રાજેશ સોનીની અંતિમ યાત્રામાં કેટલાય નેતાઓ તેમજ રાષ્ટ્ર પ્રેમી લોકો જય શ્રી રામનાં નારા સાથે હજારોની સંખ્યામાં જોડાયા હતા. તે આજે ભલે દુનિયામાં નથી પણ રાજેશ સોની દ્વારા કરેલ રામની સેવા પ્રત્યે આજે પણ લોકોને માન છે.
ઝાલોદ નગરના રાજેશચોકમાં નગરના વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રખંડ, બજરંગ દળ તેમજ હિન્દુ પ્રેમી લોકો દ્વારા રાજેશ સોનીના બલિદાન આપેલ દિવસને દિપ પ્રગટાવી શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ આજરોજ 06-12-2022 ના રોજ સાંજે 7 વાગ્યે રાખવામાં આવ્યો હતો. તેમાં નગરના લોકો ખૂબ મોટા પ્રમાણમાં જોડાયા હતા. શ્રી રામનું નામ લખી રામ નામ થી અને સાથિયો દોરી દીવડા સજાવી પ્રગટાવવામાં આવ્યા હતા. શહીદ રાજેશ સોની ચોક ખાતે રામધૂનની રમઝટ તેમજ કેસરીયા ઝંડાની સાથે લોકો મોટા પ્રમાણમાં જોડાયા હતા. શહીદ રાજેશ ચોકને હિન્દુ પ્રેમી લોકોએ જય શ્રી રામ અને શહીદ રાજેશ સોની અમર રહોના નારા સાથે ગજવી દીધું હતું. તેમજ ફટાકડાની ગુંજ થી આખું શહીદ રાજેશ ચોક ગુંજી ઉઠયું હતું.