- ગેસ લાઇનની સૂચક એજંસી દ્વારા મનમાની પ્રમાણેની કામગીરીનો ભોગ બાળકો બન્યા.
ઝાલોદ,ઝાલોદ નગરના કોળીવાડા વિસ્તારમાં ગેસ એજન્સી દ્વારા ગેસ લાઇન માટે ખાડા ખોદેલ છે જેની મંદ ગતિથી થતી કામગીરીને લઈ આ વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહેલ છે. ગેસ લાઇન દ્વારા ખોદવામાં આવેલ ખાડા છેલ્લા દસ દિવસથી પૂરવામાં નથી આવેલ જેથી અહીંથી નીકળનાર રાહગીર તેમજ દુકાનદારોને ખૂબ જ તકલીફ પડે છે. અહીં જે ગેસ લાઇનના ખાડા ખોદેલ છે ત્યાં રહેણાંક વિસ્તાર પણ નજીક છે તેથી અહીં રહેનાર નાના નાના બાળકો રમતા રમતા આ ખાડામાં પડી ગયેલ હોવાની ઘટના પણ સર્જાયેલ છે. વળી ખાડા ખોદેલ હોવાથી રોડ પર ધૂળ પડેલ છે તેથી અહીં વ્યાપાર કરનાર દુકાનદારોની દુકાનમાં આ ખાડાની ધૂળો પણ ઉડીને દુકાનમાં વારે ઘડી આવે છે તેમજ જે ખાડાઓ ગેસ એજન્સી દ્વારા ભરવામાં આવેલ છે તે અસમતોલ રીતે ભરેલ છે તેથી કોઈ ઉંચા નીચા લેવલને લીધે પણ અહીં રહેતા લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. તેથી કોળીવાડા વિસ્તારના લોકોની માંગ છે કે ગેસ એજન્સી દ્વારા તાત્કાલિક ધોરણે ખાડા પૂરવામાં આવે અને રોડનું જે ઉંચા નીચા ખાડા ભરેલ છે તેનું લેવલ કરી સમાંતર રોડ કરાવી આપે જેથી અહીંથી નીકળનાર રાહગીર, દુકાનદારો કે રહેવાસીઓને કોઈ તકલીફ ન પડે.
ઝાલોદ નગરના સ્વર્ણિમ સર્કલ પાસે આવેલ કોર્નર પર નગરપાલિકાની ગટર લાઈન આવેલ છે. અહીં વ્યાપાર કરતા દુકાનદારોનું કહેવું છે કે આ ગટર કાયમ ભરાઈ જાય છે તેમજ આ ગટરની સફાઈ નગરપાલિકા દ્વારા કરવામાં તો આવે છે પરંતુ પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને કારણે આ ગટર કાયમ ભરાયેલ જોવા મળે છે. આ ગટર ખૂબ દુર્ગંધ મારતી હોવાથી અહીં વ્યાપાર કરનાર વ્યાપારીઓ ને સતત બીમારીનો ભય સતાવતો રહે છે. આ ગટર લાઈનના પાણીના કાયમી નિકાલ કરવા ઘણી વાર રજૂઆતો કરવામાં આવેલ છે છતાંય અહીં રહેતા લોકોને તંત્ર દ્વારા કોઈ ન્યાય નથી મળતો તેવું અહીંના લોકોનું કહેવું છે. આ ગટર લાઈનનો કાયમી ઉકેલ માટે અહીંના લોકો તંત્ર પાસે માંગણી કરી રહેલ છે.
ગટર લાઈનની એક કાયમની સમસ્યાને લઈ ગરીબ નવાજ શોપીંગ સેન્ટરની પાસે આવેલ દુકાનદારો તોબા પોકારી ગયેલ છે અહીંના વ્યાપારીઓ જાતે જ ગટરની સાફસફાઈ કરતા જોવા મળ્યા હતા. વારેઘડી એકને એક જાતની સમસ્યા માટે તંત્ર કેમ ધ્યાન નથી આપતું…? એક દુકાનદારને તો આ ભરાઈ ગયેલ ગટરને લઈ કાયમ સમસ્યા સતાવે છે કેમકે આ ઉભરાતી તેમજ ગંધ મારતી ગટરનું પાણી તેની દુકાનને અડીને જ જાય છે જેથી તેમનો વ્યાપાર છાસવારે ઠપ થઈ જાય છે. આ ઉભરાતા ગંદા પાણીની ગટરને લઈ વ્યાપારીઓ હવે તંત્ર સામે લડી લેવાના મૂડમાં જોવાય છે. આ ઉભરાયેલ ગટરના પાણી થી દુકાનદારો તો હેરાન છે જ પરંતુ આ પાણી રોડ પર આવતા અહીંથી નીકળનાર રાહગીરો પણ હેરાન છે. ઉભરાતી ગટરોને લઈ મચ્છરનો ઉપદ્રવ પણ વધું જોવા મળે છે તેથી કાયમ અહીં વ્યાપાર કરનાર વ્યાપારીઓને સતત ગંભીર બીમારીઓનો ભય પણ સતાવતો હોય છે. તંત્ર પાસે આ વિસ્તારના લોકો ગટરની કાયમી સફાઈ થાય તેવી અપેક્ષા રાખી રહેલ છે.