- આ રોડ પર કેટલીય વાર ખાડામાં પટકાઈ અકસ્માતો તેમજ ગાડીના ટાયરો ફાટી જવાના બનાવો બનેલ છે.
ઝાલોદ, ઝાલોદ નગરમાં ખરાબ રોડ રસ્તાને લઈ દરેક વિસ્તારોના નગરજનો ત્રાસી ગયેલ છે. કોઈ પણ વિસ્તારમાં રસ્તાઓ સારા નથી અને રસ્તાની હાલત અતિ દયનીય છે. ખરાબ તૂટેલા રસ્તાઓ અને ખાડાઓને લઈ કેટલીય વાર ગાડી પડી જવાના બનાવો, રસ્તામાં માટી આવી જતી હોવાથી ચોમાસામાં રોડ ચીકણો થઈ જતાં નાના નાના કેટલાય પડી જઇ ઇજા થવાના બનાવો બનેલ છે. થોડા દિવસો અગાઉ એક બાળકી જતી હતી તો ટ્રકના ટાયર થી પથ્થર ઉછળતા તે ઇજાગ્રસ્ત થયેલ હતી. તેમજ આવા અકસ્માત કેટલાય બને છે, છતાંય જવાબદાર તંત્રના પેટનું પાણી હલતું નથી. આવતા જતા વાહન લઈને નીકળતા લોકોના વાહનોના ટાયર ફાટી જવાના બનાવો, પંચર બની જવાના બનાવો તેમજ ખરાબ રસ્તાને લઈ અમુક લોકોને શારીરિક રીતે સ્વાસ્થ્યને લઈ સમસ્યાઓ વધતી જોવા મળેલ છે.
નગરના જાગૃત નાગરિક એવા અજય ભગત ઠુંઠી કંકાસીયા થી ગામડી ચોકડી વચ્ચે આવેલ પ્રભુતાપાર્ટી પ્લોટના બાંસવાડા રોડ પર 14-08-2023 ના રોજ પોતાનું ટુ વ્હીલર વાહન લઈ જતી વખતે વાહન સ્લીપ ખાઈ દસ ફૂટ સુધી વાહન ઘસડાઈ ગયેલ હતું અને વાહન પર સવાર બે વ્યક્તિઓ માંથી એક વ્યક્તિ જે વાહન ચલાવતા હતા તે અજય ભગતને ગંભીર ઈજાઓ થયેલ હતી. ગંભીર ઈજાઓ થતાં પગમાં ફ્રેકચર થઈ ગયેલ હતું. જેને લઈ ડોક્ટર દ્વારા એક મહિનાના બેડ રેસ્ટની સલાહ આપી હતી અને વાહનની પાછળ બેસેલ વ્યક્તિને પણ ઈજાઓ થયેલ હતી. અજય ભગત દ્વારા અરજીમાં જણાવેલ મુજબ નગરપાલિકા દ્વારા રોડ રીપેરીંગ કે ખાડાઓ પૂરવામાં પાલિકા દ્વારા કોઈ પણ જાતના પેરામીટર જાળવવામાં આવેલ નથી. તેમજ જાહેર જનતાની સુખાકારીની સરેઆમ ઉપેક્ષા કરવામાં આવી રહેલ છે, તેવા આક્ષેપો નગરપાલિકાને અરજી કરી કરવામાં આવેલ છે. તેમજ આવા કેટલાય અકસ્માતો અહીંયાં બનતા રહેતા હોવાનું પણ જણાવેલ છે. આ અંગે સત્વરે જનતાના હિતમાં પગલાં લેવા નગરપાલિકાને એક અરજી દ્વારા માંગ કરવામાં આવેલ છે.