- પગાર વધારો તેમજ પડતર માંગણીઓનો બજેટમાં સમાવેશ ન થતાં વિરોધ કરાયો.
ઝાલોદ,05-02-2024 સોમવારના રોજ ઝાલોદ નગરની ઈષ્ટ દેવી એવા ઝલાઇ માતાના મંદિરે આંગણવાડી બહેનો અને વર્કરો સહુ સરકાર દ્વારા રજૂ કરેલ બજેટના અનુસંધાને ભેગા થયેલ હતા. ઉપસ્થિત સહુ આંગણવાડી બહેનોએ રાજ્યની સરકાર વિરૂદ્ધ વિવિધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. સરકાર દ્વારા રજૂ કરાયેલ બજેટમાં આંગણવાડી બહેનોના પગાર વધારા કે અન્ય કોઈ પણ માંગણીઓ પ્રત્યે ઉલ્લેખ ન થયો હોઇ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી બજેટની હોળી કરવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આંગણવાડીને તાળાબંધી કરી ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આંગણવાડી બહેનો પોતાના હક લેવા તેમજ માંગણી પુરી કરવા એકજૂટ થઈ બજેટની હોળી કરી વિરોધ નોંધાવેલ હતો.