ઝાલોદ નગરના સોમનાથ મહાદેવ મંદિર કમિટી દ્વારા આખાં શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક પ્રોગ્રામો રાખી સહુ નગરજનોને ભોલેનાથની ભક્તિમાં રંગી રાખેલ હતા. શ્રાવણ મહિના દરમ્યાન ભોલેનાથ ભગવાનને મંદિરમાં નિયમિત રીતે વિશેષ રાજભોગ, વિશેષ શણગાર, દૂધ જળ બીલીપત્રની સેવા, નગરની વિવિધ મંડળીઓ દ્વારા ભજન કીર્તન, તેમજ છેલ્લા ત્રણ દિવસ લઘુરૂદ્ર પૂજાપાઠ દ્વારા હોમાત્મક હવન પૂજા રાખવામાં આવેલ હતી. આ દરેક ધાર્મિક પ્રોગ્રામોનો લાભ નગરના લોકોએ ઉત્સાહ પૂર્વક લીધો હતો.
આજરોજ તારીખ 02-09-2024 ના સોમવારના અમાવધ્યાના રોજ પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે દેવાધિદેવ મહારાજાધીરાજ ભોલેનાથની શોભાયાત્રા નગરમાં કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ભોલેનાથના ભક્તો મોટા પ્રમાણમાં જોડાયેલ હતા. આજના શ્રાવણ મહિનાની એક ખાસિયત એ હતી કે સોમવારના રોજ શ્રાવણ મહિનો પૂરો થયો હતો તેથી સવારથી સોમવાર તેમજ વિશેષમાં શ્રાવણનો છેલ્લો સોમવાર એટલે ભક્તો દર્શન કરવા વધુ પ્રમાણમાં મંદિરે આવેલ હતા. દરેક ભક્તોના ચહેરા પર ભોળાનાથ ભાગવાની સેવા પૂજા કર્યાનો અનેરો આનંદ જોવા મળતો હતો.
આજના શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે શંકર સવારીનુ આયોજન કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રા સોમનાથ મહાદેવથી નીકળી નગરના માર્ગો પર ફરી હતી. સ્વયંભૂ મહાદેવ અધિકમાસ અને શ્રાવણ મહિનાનું પુણ્ય આપવા માટે નગરમાં ભોલેના ભક્તોને આશીર્વાદ આપવાં નીકળ્યા હોય તેવું લાગતું હતું. ભોલેનાથની સવારી જોવા તેમજ તેમના આશીર્વાદ લેવા નગરના લોકો મોટા પ્રમાણમાં જોડાયા હતા અને ભક્તો ભોલેનાથની ભક્તિમાં લીન જોવા મળતા હતા.
ભોલેનાથની શોભાયાત્રા નગરમાં મુખ્ય માર્ગો પર ફરી હતી. આ શોભાયાત્રા દરમ્યાન ઝાલોદ નગર ભોલેનાથના ભાવિક ભક્તો ભક્તિના રંગે રંગાઈ ગયેલ જોવા મળતા હતા. શોભાયાત્રા દરમ્યાન ધાર્મિક ભજન સાથે ભોળાનાથના જયજયકાર સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું. આ શોભાયાત્રામાં દરેક સામાજના મહિલા મંડળ, યુવક મંડળ, યુવક, યુવતીઓ, મહિલાઓ, વડીલો તેમજ બાળકો મોટા પ્રમાણમાં જોડાયા હતા.
છેલ્લે શોભાયાત્રાની પૂર્ણાહુતિ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરે મહાઆરતી તેમજ ભોલેકા ભંડારાનું આયોજન ઉપસ્થિત સહુ ભક્તો માટે સોમનાથ મહાદેવ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું.