ઝાલોદ નગરમાં રામસાગર તળાવ પાસે આવેલ બાળ ક્રિડાંગણ ખંડેર હાલતમાં : દિવાલ પડી જાય તેવી ગંભીર સ્થિતિ

  • બાળ ક્રિડાંગણની રમતની સામગ્રી તૂટેલી અને કટાઇ ગયેલ.

ઝાલોદ, ઝાલોદ નગરમાં બાળકોને રમત ગમતના સાધનો સાથે માત્ર એક બાળ ક્રિડાંગણ છે જે રામસાગર તળાવ પાસે આવેલ છે. આ બાળ ક્રિડાંગણ અંદાજીત 20 વર્ષ પહેલાંનું બનેલ છે. અહીંયા આવતા લોકોના કહ્યા મુજબ આ ગાર્ડન બન્યું ત્યાર બાદ અહીંયા કોઈ બાળકોના નવા સાધનો આવેલ નથી તેમજ હાલ જે સાધનો છે તે ખૂબ જર્જરીત છે અને કટાઇ ગયેલ છે જેથી અહીં રમવા આવતા બાળકોને વાગી જવાનો ડર સતત સતાવતો રહે છે અમુક બાળકોને આ સાધનોનો ઉપયોગ કરતા ગંભીર રીતે વાગ્યું પણ છે પણ કહેવાનું કોને…?

આ બાળ ક્રિડાંગણની અંદર સાફ સફાઈનો અભાવ, તેમજ ઝાડી ઝાખરા પણ ઉગી ગયેલ જોવા મળે છે. આ બાળ ક્રિડાંગણની અંદર જોતા ખબર પડે છે કે તંત્ર આ બન્યું ત્યારબાદ તેની દેખરેખ કે નવા સાધનો આપવામાં વામણું પુરવાર થયેલ છે. બાળકો માટે રમત ગમતના સાધનોમાં વધારો કરી આ ગાર્ડન આધુનિક બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામેલ છે. આ બાળ ક્રિડાંગણને આધુનિક અને નવીન બનાવવા માટે નગરના જાગૃત લોકો તેમજ પત્રકારો દ્વારા રજુઆત પણ થયેલ છે પણ તંત્ર દ્વારા આયોજનમાં છે તેમ જ કહેવાય છે હવે નક્કર આયોજન થાય તેવી અપેક્ષા પાલિકા પાસે જાહેર જનતા રાખી રહેલ છે.

આ બાળ ક્રિડાંગણને ફરતી ચારે બાજુની દિવાલો નબળી પડી ગયેલ છે અને અમુક દિવાલ તો ગમે ત્યારે પડી જાય તેમ જોવાઈ રહેલ છે. આ વિષયને લઈ તંત્ર કેમ નિંદ્રાધીન અવસ્થામાં જોવા મળેલ છે તે જ સમજાતું નથી. અહીં બાળકો રમતા હોય અને દીવાલની આસપાસ હોય અને જો આ દિવાલ જો અચાનક પડી જાય તો કેવું ગંભીર વાતાવરણ સર્જાય તેની કલ્પના કરવી પણ અઘરી છે. તંત્ર સત્વરે આ ફરતી દિવાલો રેપેરીંગ ન કરી નવીન બનાવે તેથી કોઈ પણ જાનહાનિ ન સર્જાય તેવું લોકોનું માનવું છે.