ઝાલોદ નગરમાં મહારાજા અગ્રસેનની 5147મી જન્મ જયંતિ નિમિત્તે પંચદિવસીય ઉત્સવ ઉજવાયો

ઝાલોદ, અગ્રવાલ સમાજ જેનાં નામથી ઓળખાય છે, એવા અગ્રસેન મહારાજ એક પ્રસિદ્ધ સૂર્યવંશી દાનવીર યુગ પ્રવર્તક રાજા હતા. મહારાજા અગ્રસેન ભેદભાવ કરવામાં માનતા ન હતા. તેઓ સર્વ પ્રજાજનોને સમાન નજરથી જોતા હતા. મહારાજા અગ્રસેન મહારાજ દ્વારા અગ્રોહા રાજ્યમાં આવતા કોઈ પણ નવા પરિવારને રહેવા અને વ્યાપાર કરવામાં સરળતા રહે તે ઉદ્દેશથી એક રૂપિયો એક ઈંટનું સૂત્ર આપ્યું હતું. જેથી અગ્રોહામા રહેનાર પ્રત્યેક વ્યક્તિ નવાં આવીને વસનાર વ્યક્તિને મદદ કરતા હતા. જેથી તે વ્યક્તિ ઈંટનો ઉપયોગ ઘર બનાવવા અને રૂપિયાનો ઉપયોગ વ્યાપાર કરવા કરી રોજગાર કરી ગુજરાન ચલાવી શકતો. મહારાજા અગ્રસેનના ભાઈચારાના ઉદ્દેશ ભારત વર્ષમાં પ્રચલિત હતો.

મહારાજા અગ્રસેનની 5147 જન્મ જયંતિ નિમિત્તે નગરના અગ્રવાલ સમાજ દ્વારા પંચદિવસીય પ્રોગ્રામોનું આયોજન કર્યું હતું. તારીખ 11-10-2023 થી 15-10-2023 સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ક્રિકેટ, બેડમિન્ટન, ખો-ખો, સતોડીયો, કેરમ, રેસ, રસ્સી ખેંચ, બોરી કૂદ, લીંબુ ચમ્મચ, મ્યૂઝિકલ ચેર, વેશભૂષા, ડાન્સ, ગરબા,એક મિનિટ, સામાજીક ડીબેટ જેવા રંગારંગ કાર્યક્રમો રાખેલ હતા. આવા ઘણા બધા કાર્યક્રમ સમાજની મહિલાઓ માટે પણ રાખવામાં આવેલ હતા. દરેક પ્રોગ્રામોમાં સમાજના બાળકો, વડીલો, મહિલાઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

મહારાજા અગ્રસેન મહારાજની શોભાયાત્રા સાંજે 5 વાગે ગીતા મંદિરથી નીકળી નગરના વિવિધ માર્ગો પર નીકળી હતી. અગ્રવાલ સમાજની મહિલાઓ પીળી સાડીમાં અને પુરૂષો ઝભ્ભા પજામાના પારંપારિક ભારતીય તેમજ રાજસ્થાની પહેરવેશના જોવા મળતા હતા. શોભાયાત્રા નગરમાં મહારાજા અગ્રસેનના જય જય કાર સાથે નીકળી હતી. મારવાડી સમાજના પહેરવેશે નગરમાં સમાજની એકતા દર્શાવતી હતી.

છેલ્લે સમાજના વિવિધ પ્રોગ્રામોમા વિજેતા થયેલ લોકોને ઇનામ વિતરણ કરવામાં આવેલ હતું. મહારાજા અગ્રસેન મહારાજની આરતી કરી સમાજના સહુ લોકોએ સાથે પ્રસાદ લીધો હતો. આ સમગ્ર આયોજન અગ્રવાલ સેવાસંઘ, અગ્રવાલ મહિલા મંડળ, અગ્રવાલ યુથ ક્લબ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખ મુકેશ.બી.અગ્રવાલ દ્વારા સમાજના સાર્વજનિક કાર્યક્રમને સફળ બનાવવા સહુનો આભાર વ્યક્ત કર્યો હતો.