ઝાલોદ, ઝાલોદ નગરમાં 11-04-2024 અગ્રવાલ સમાજની મહિલાઓ દ્વારા ગણગૌર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. હોળી પછી નવવિવાહિત મહિલા પોતાના પિયરમાં કુંવારી ક્ધયાઓ સાથે મળી ગણગૌર પર્વ ઊજવતી હોય છે. ગણ એટલે શિવ અને ગૌર એટલે માતા પાર્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. સાંજે પાંચ વાગ્યે અગ્રવાલ સમાજની મહિલાઓ દ્વારા ગીતામંદિર ખાતે થી વાજતે ગાજતે ગણગૌર સાથે નગરના માર્ગો પર ફર્યા હતા.
નગરના માર્ગો પર ગણગૌર લઈ નીકળનાર અગ્રવાલ સમાજની મહિલાઓ ગરબા રમતા તેમજ મારવાડી ગીતો ગાતા નીકળ્યા હતા. આ વ્રત કુંવારી ક્ધયાઓ મનવાંછિત પતિ અને વિવાહિત મહિલાઓ પોતાના પતિની સુખ સમૃદ્ધિ માટે કરતી હોય છે. આજરોજ ગણગૌર પર્વની ઉજવણી પ્રસંગે અગ્રવાલ સમાજની મહિલાઓ ગણગૌર લઈ નગરના માર્ગો પર ફરી રામસાગર પર પહોંચી હતી. રામસાગર તળાવ ખાતે પહોંચી દરેક મહિલાઓએ ગણગૌરની છેલ્લી પૂજા અર્ચના કરી મારવાડી ગીતો ગાયા હતા. છેલ્લે ભાવવિભોર વાતાવરણ વચ્ચે મહિલાઓએ ગણગૌરને રામસાગર તળાવમાં વિસર્જન કરી વિદાય આપી હતી.