ઝાલોદ નગરમાં શિવગંગાધર સેવા સમિતિ દ્વારા ભવ્ય કાવડયાત્રા યોજાઈ

  • દાહોદ કેદારનાથ થી ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રા યોજાઈ.

ઝાલોદ નગરમાં શિવગંગાધર સેવા સમિતિ દ્વારા કાવડ યાત્રાનું ભવ્ય આયોજન તારીખ 10-08-2024 શનિવારના રોજ કરવામાં આવ્યું હતું. રાત્રે સોમનાથ મહાદેવ મંદિરે ભવ્ય મહા આરતી કરી સહુ કાવડિયા પોતાની કાવડ લઇ દાહોદ કેદારનાથ ગાડી દ્વારા જવા રવાના થયા હતા. આ કાવડ યાત્રામાં અંદાજીત 250 થી વધુ શિવ ભક્તો જોડાયા હતા. આ શિવ ભક્તો દ્વારા કેદારનાથ મંદિર ખાતે રાત્રિ દરમિયાન ભજન કીર્તન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વહેલી સવારે સહુ કાવડ યાત્રી કેદારનાથ મહાદેવ મંદિરે થી પવિત્ર જળ લઈ ઝાલોદ આવવા નીકળ્યા હતા.

કાવડ યાત્રીઓ ઝરમર વરસાદની વચ્ચે કાવડ લઈ બોલ બમ… બમ બમ જેવા ભક્તિ મય સ્લોગન થી વાતાવરણ ગુંજાવી રહેલ હતા. દરેક કાવડ યાત્રીઓના ચહેરા પર ભગવાન શિવ માટે પવિત્ર જળ લઇ જવાનો અનેરો આનંદ ચહેરા પર જોવા મળતો હતો. ઝાલોદ નગરમાં કાવડ યાત્રીઓ આવતા વિશ્વકર્મા મંદિરે સહુને વિશ્રામ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બેંડ અને ઢોલ નગારા સાથે નગરમાં કાવડ યાત્રીઓ નીકળ્યા હતા. નગરમાં કાવડ યાત્રાના સ્વાગતમા ફટાકડા ફોડવામાં આવ્યા હતા તેમજ દરેક કાવડ યાત્રીઓનુ સ્વાગત નગરના દરેક વિસ્તારમાં કરવામાં આવ્યું હતું.

કાવડ યાત્રીઓ ભગવાન શિવના રથ લઇ નાચતા ઝૂમતા જોવા મળતા હતા. તેમજ દરેક કાવડ યાત્રીઓ બોલ બમ….બમ… બમના ગગનભેદી નારા સાથે નગરમાં નીકળ્યા હતા. કાવડ યાત્રીઓ નગરમાં આવતા નગરનો માહોલ ભક્તિમય બની ગયેલ હતો. છેલ્લે સોમનાથ મહાદેવ મંદિરે કાવડ યાત્રીઓ પહોંચતા ત્યાં દરેક કાવડયાત્રીઓનુ કંકુ-તિલક અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લે સહુ કાવડ યાત્રીઓ એ ભગવાન ભોળાનાથને કાવડનુ પવિત્ર જળ ચઢાવી પૂજા-અર્ચના કરી હતી.