દાહોદ, દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના વરોડ ગામે હનુમાનજી મંદીર પાસે રોડ પર પુરપાટ આવતી ટાટા કંપનીની મોટી ટર્બો ગાડી સામેથી આવતી મોટર સાયકલ સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ પર સવાર ત્રણે જણાને ગંભીર ઈજાઓ થતાં તૈ પૈકીના બે જણાનું સ્થળ પર જ મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય એકને સારાવર માટે ઝાલોદના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.
ગઈકાલે બપોરના એક વાગ્યાના સુમારે એક વાહન ચાલક તેના કબજાના ટાટા કંપનીનો મોટો ટર્બો ઝાલોદથી લીમડી તરફ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી વરોડ ગામે હનુમાનજી મંદીરની પાસે રોડ પર લીમડીથી ઝાલોદ તરફ જઈ રહેલ જીજે-20 એમ-6203 નંબરની મોટર સાયકલ સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ પર સવાર ઝાલોદ તાલુકાના સારમારીયા ગામના ભાગોળ ફળિયામાં રહેતા અનીલભાઈ કસુભાઈ વસૈયા, અમીતભાઈ કસનાભાઈ વસૈયા તથા રાહુલઊભાઈ બાબુભાઈ વસૈયા મોટર સાયકલ પરથી ફંગોળાઈ રોડ પર પટકાતાં અનીલભાઈ કસુભાઈ વસૈયા તથા અમીતભાઈ કસનાભાઈ વસૈયાને માથામાં તથા શરીરે જીવલેણ ઈજાઓ થતાં તે બંનેના સ્થળ પર જ મોત થયા હતા જ્યારે રાહુલભાઈ બાબુભાઈ વસૈયાને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે 108 મારફતે ઝાલોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ લીમડી પોલીસને કરાતા લીમડી પોલીસ ઘટના સ્થળે તાબડતોબ દોડી આવી હતી અને મરણજનાર અનીલભાઈ કસુભાઈ વસૈયા તથા અમીતભાઈ કસનાભાઈ વસૈયાની લાશનો કબજો લઈ પંચો રૂબરૂ બંનેની લાશનું પંચનામુ કરી બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે ઝાલોદ સરકારી દવાખાને મોકલી આપી હતી. આ સંબંધે સારમારીયા ગામના અરવીંદભાઈ કસુભાઈ વસૈયાએ નોંધાવેલ ફરિયાદને આધારે લીમડી પોલીસે ટાટા કંપનીના મોટા ટર્બાના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.