ઝાલોદના રાયપુરા ગામે બીજ ઉત્સવ કાર્યક્રમ યોજયો

ઝાલોદ, આજરોજ વાગધારા સંસ્થા દ્વારા દાહોદ , જીલ્લાના ઝાલોદ, તાલુકાના રાયપુરા, ગામમાં બીજ ઉત્સવ (પરંપરાગત બીજ આદાન-પ્રદાન કાર્યક્રમ)નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાયપુરાની આજુબાજુના ગામ ઘોડિયા, રામપુરા અને ટીમાસી ગામના મહિલા ખેડૂતોએ ખૂબ લાભ લીધો છે. આ કાર્યક્રમમાં દરેક મહિલા ખેડૂત પોત પોતાના ઘરે થી સંગ્રહિત કરેલ અલગ અલગ પ્રકારના દેશી બિયારણો લાવી અને બીજ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રાગી, કોરી, કાંગ, ચીણા, વાલોડ, રીંગણ, મરચા, ટામેટા, દુધી, ગલકા, કારેલા, રંજનની ભાજી, ખાટી ભીંડી, હળદર, આદુ, ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, ઘઉં, ચણા, સરગવો , બીલી, સફેદ કોળા, લાલકોડા, તલ, મેથી, સુવા,પાલક, ગાજર, બીટ, ડુંગળી, લસણ, કાંદાઘોડા જેવા લગભગ 61 થી વધારે જાતના બિયારણોની પ્રદર્શન કરવામાં આવી અને જેની પાસે વધારાનું બીજ હોય અને બીજાની પાસે તે બીજની કમી હોય, તો આ બીજ એકબીજાને આદાન-પ્રદાન કરવામાં આવ્યું.

ગીરીશભાઈ પટેલ, વાગધારા પ્રતિનિધિ દ્વારા જણાવવામાં આવ્યું કે, આપણા ક્ષેત્રમાં જૂની પરંપરાગત પ્રમાણે આપણા બિયારણો વિલુપ્ત થઈ ગયા છે અને તેની જગ્યાએ વિદેશી બીયારણો એ સ્થાન લીધેલ છે. જેના કારણે આપણા જ ખેત ઉત્પાદન માંથી મળતા ભોજન સામગ્રીમા પરિવર્તન થવાના કારણે દિવસે દિવસે નવા નવા રોગોએ સ્થાન લીધું છે. આ રોગોને પરાસ્ત કરવા માટે આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે જુના બીજો કે જે આપણા વડીલો પહેલા ઉપયોગ કરતા હતા તે ફરી પાછા ઉપયોગમાં લાવવા માટે સંસ્થા દ્વારા પહેલ કરવામાં આવેલ છે, આજના આ કાર્યક્રમમાં જોવા મળ્યું કે દરેક બહેનો અને ભાઈઓ ને પણ ખબર પડી કે, આપણા સ્થાનિય ક્ષેત્રમાં લગભગ 150 થી વધારે પ્રકારના બિયારણ ઉપલબ્ધ છે ,તેમ છતાં આપણે તેના થી અજાણ છીએ. આપણે આપણો રસ્તો ભૂલી અને બજા રસ્તા તરફ વડી રહ્યા છીએ, તો હવે પાછા આવવાની જરૂર છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાયપુરા ગામના માજી સરપંચ સુરેશભાઈ ડામોર એ પણ પોતાના અનુભવ વ્યક્ત કર્યા અને પોતાના જ ગામમાં દેશી બિયારણનો ઉપયોગ કરવા માટે પણ જણાવ્યું. વાગધારા સંસ્થાના પ્રતિનિધિ રોહિતકુમાર જૈન, પ્રશાંત થોરાત, સવાભાઈ ડામોર, દલસિંગભાઈ ગરાસીયા, મહેશભાઈ કામોડ, સૂરેખાબેન પારગી, યોગેશભાઈ પારગી એ ખૂબ મહત્વનો ભાગ ભજવેલ છે. વાગધારા સંસ્થા દ્વારા આવતા બે દિવસની અંદર મહુડી અને છાસિયા ગામમાં પણ આ કાર્યક્રમ કરવાનો પ્લાન તૈયાર કરેલ છે. કાર્યક્રમમાં બીજના આદાન પ્રદાનમાં લગભગ 45 થી વધારે બહેનોએ બીજનો આદાન પ્રદાન કરેલ છે. જેના કારણે જેના ઘરે જે બીજની કમી હોય તેને પૂરતી કરી શકાય, આ માટે મહિલા ખેડૂત બહેનોએ ખૂબ મહત્વનો ભાગ ભજવેલ છે.