ઝાલોદના થેરકા ગામે ત્રણ માસથી ટીસીના અભાવે ખેડુતોને પરેશાની

ઝાલોદ,

થેરકા ગામના માળ ફળિયામાં ઉદ્વહન સિંચાઈ પાઈપલાઈન ઉપરની વીજ કનેકશનની ટી.સી. અજાણ્યા ચોરો દ્વારા તોડીને અંદરના સરસામાનની ચોરી કરવામાં આવી હતી. ખેડુતો દ્વારા પોલીસ અને એમજીવીસીએલમાં લેખિત જાણ કરવામાં આવી હતી. રજુઆત કરવા છતાં પણ એમજીવીસીએલ તંત્ર દ્વારા 3 માસથી ટી.સી.નાંખવામાં ન આવતા ખેડુતોની પાક માટેની પિયતની કામગીરી અટકી પડી છે. હાલમાં શિયાળુ પાકની સીઝન ચાલી રહી છે. જેથી ખેડુતો દ્વારા ખેતરમાં પિયત સહિતની કામગીરી કરાઈ છે. ત્યારે સિંચાઈ પાઈપલાઈન વીજ કનેકશનની ટી.સી.ન નંખાતા ખેડુતોને હાલાકી ભોગવવી પડી રહી છે. તેમજ આ ગંભીર મામલે પોલીસ વિભાગ અને એમજીવીસીએલને લેખિત/મોૈખિક જાણ કરવા છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા ખેડુતોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. સાથે ટી.સી.રિપેર કરીને ચાલુ કરવા માટે અનેકવાર કચેરીના ધરમધકકા ખાવા છતાં પણ ઝાલોદ એમજીવીસીએલ કચેરીના અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ કે કામગીરી કરવામાં ન આવતા ખેડુતોને પાક લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. ત્રણ માસ થયા હોવા છતાં પણ નવી ટી.સી.નાંખવાની કાર્યવાહીને ઘ્યાને ન લેતા પાક નિષ્ફળ જવાની ભિતી સર્જાઈ છે.