ઝાલોદના ટાંડી ગામે ફોર વ્હીલ ચાલકે બાઈકને અડફેટમાં લેતા બાઈક સવાર બે વ્યકિતના મોત

દાહોદ,
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટાંડી ગામે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે એક મોટરસાઈકલ પર સવાર બે વ્યક્તિઓને અડફેટમાં લેતાં બંન્ને વ્યક્તિઓને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં બંન્નેના મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા. 12મી નવેમ્બરના રોજ ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામે નિશાળ ફળિયામાં રહેતાં જવસીંગભાઈ તેરસીંગભાઈ નીનામા તથા તેમની સાથે કડકીયાભાઈ મલાભાઈ નિનામા એમ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ ટાંડી ગામેથી પસાર થઈ રહ્યાં હતા. તે સમયે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાઈકલ પર સવાર ઉપરોક્ત બંન્ને જણાને અડફેટમાં લેતાં બંન્ને વ્યક્તિઓ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતા. જેને પગલે બંન્ને વ્યક્તિઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં બંન્નેના મોત નીપજ્યાં હતાં.

આ સંબંધે મોટીહાંડી ગામે નિશાળ ફળિયામાં રહેતાં સુનીલભાઈ જવસીંગભાઈ નિનામાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.