ઝાલોદના પ્રથમપુરા ગામની પરણિતાને પતિ અને સાસરીયા દ્વારા ત્રાસ આપતાં મહિલા પોલીસ મથકે ફરિયાદ

દાહોદ, છેલ્લા એક વર્ષથી નજીવી બાબતે ઝઘડો તકરાર કરી મારકૂટ કરી તથા જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી પતિ તથા સાસરિયાંઓ દ્વારા ગુજારાતા શારીરિક અને માનસિક ત્રાસથી વાજ આવેલ ઝાલોદની 32 વર્ષીય પરિણીતાએ દાહોદ મહિલા પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવ્યાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના પ્રથમપુર ગામે તળ ફળિયામાં રહેતી 32 વર્ષીય પિંકલબેન નામની નોકરીયાત મહિલાના ફૂલહાર તારીખ 11- 5-2023 ના રોજ તેઓના સમાજના રીતરિવાજ મુજબ ઝાલોદના સંતરામપુર રોડ પર આવેલ સૂચિત કર્મચારી સોસાયટીમાં રહેતા અભિષેકભાઈ જીગ્નેશભાઈ કટારા સાથે થયા હતા. લગ્ન બાદ સાસરીમાં આવેલ પિંકલબેનને તેના પતિ તથા સાસુ, સસરા તેમજ દિયરે એકાદમાસ સારૂં રાખ્યું હતું અને ત્યારબાદ તે સૌનું પોત પ્રકાશ્યું હતું. અને પિંકલબેનના સસરા જીગ્નેશભાઈ જેમ્સભાઈ કટારા, તેની સાસુ ઇન્વેન લીનાબેન જીગ્નેશભાઈ કટારા તથા દિયર આશુતોષભાઈ જીગ્નેશભાઈ કટારા વગેરેની ચડામણીથી તેના પતિ અભિષેકભાઈ કટારાએ નજીવી બાબતે પણ ઝઘડા તકરાર કરી મારકૂટ કરી તથા જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા હોઇ, આવા રોજ રોજના ત્રાસથી વાજ આવેલ પિંકલબેને તેના પતિ અભિષેકભાઈ કટારા, સસરા જીગ્નેશભાઈ કટારા, સાસુ ઇન્વેનલીનાબેન કટારા તેમજ દિયર આશુતોષ કટારા વિરૂદ્ધ દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ઇપીકો કલમ 498(ક), 323, 504, 506, 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.