ઝાલોદના પાવડી ગામે હીટ એન્ડ રનની ધટનામાં ફોર વ્હીલ ચાલક ધર આંગણે સુતેલ દંપતિને અડફેટમાં લેતાં મહિલાનું મોત

દાહોદ,
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પાવડી ગામે હીટ એન્ડ રન કેસ બનવા પામ્યો છે જેમાં એક પીકઅપ ફોર વ્હીલર ગાડીના ચાલકે ઘરના આંગણામાં ઉંઘી રહેલ એક દંપતિ ઉપર પીકઅપ ગાડી ચઢાવી દેતાં દંપતિ પૈકી મહિલાનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.


ગત તા.30મી ઓક્ટોમ્બરના રોજ એક પીકઅપ ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની પીકઅપ ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી દાહોદ થી લીમડી તરફ જતાં હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો અને હાઈવે રોડ છોડીને પાવડી ગામ તરફ રોડની ગટરોમાં થઈ ખેતરોમાં પીકઅપ ગાડી પુઝડપે હંકારી પસાર થઈ રહ્યો હતો. તે સમયે રાત્રીના એકાદ વાગ્યાના આસપાસ પાવડી ગામે કાકરવા ફળિયામાં રહેતાં પર્વતભાઈ સુરજીભાઈ ભાભોર તથા તેમની પત્નિ સીતાબેન પર્વતભાઈ ભાભોર બંન્ને જણા પોતાના ઘરના આંગણામાં ઉંઘી રહ્યાં હતા. તે સમયે પીકઅપ ગાડીના ચાલકે પતિ પત્નિ ઉપર પીકઅપ ગાડી ચઢાવી દેતાં સીતાબેનને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત પર્વતભાઈને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. પીકઅપ ગાડીના ચાલકે ઘરના આંગણે મુકી રાખેલ મોટરસાઈકલને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
આ સંબંધે પાવડી ગામે કાકરવા ફળિયામાં રહેતાં નિકુંજભાઈ સુરજીભાઈ ભાભોર લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.